ભારતીય વિદ્યાભવન નડિયાદનો 21મો સ્થાપના દિન

ભારતીય વિદ્યાભવનના નડિયાદ કેન્દ્રમાં તાજેતરમાં 21મો સ્થાપના દિન ઊજવાયો હતો. તસવીરમાં દિનશા પટેલ, ડો. મહેશ દેસાઈ, સંસ્થાના ડાયરેકટર અને સીઈઓ એન. ભાસ્કરન, ડો. બી. જી. પટેલ, ચેરમેન ચંદ્રવદન શાહ, વાઇસ ચેરમેન રમેશ પરીખ સહિત મહાનુભાવો નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

નડિયાદઃ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સ્થપાયેલા ભારતીય વિદ્યાભવનના નડિયાદ કેન્દ્રમાં તાજેતરમાં 21મો સ્થાપના દિન ભવ્ય અને દબદબાભેર ઊજવાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને સીઈઓ એન. ભાસ્કરન દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ચારુસેટના એડવાઇઝર ડો. બી. જી. પટેલ દ્વારા સંસ્થાના વાર્ષિક મેગેઝિન ‘ઓઇસ્ટર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેઓએ ભવન્સના વિદ્યાર્થીઓને વિશ્વમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા હાકલ કરી હતી.
મૂૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ કિડની સર્જન ડો. મહેશ દેસાઈ દ્વારા અંગ્રેજીમાં રૂપાંતરિત ‘કિનારે કિનારે’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ઉપશૈક્ષણિક ક્ષેત્રમાં મળતી ઉત્તમ તાલીમને બિરદાવી હતી.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે શાળાને સફળતાનાં સર્વોચ્ચ શિખર સર કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને આવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાના ઉત્તરોત્તર વિકાસમાં સહભાગી થવા ઉત્સુકતા બતાવી હતી.
ડો. બી. જી. પટેલ, ડો. મહેશ દેસાઈ, દિનશા પટેલે શૈક્ષણિક સિદ્ધિ બદલ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને રોકડ ઇનામથી પુરસ્કૃત કર્યા હતા. વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ચેરમેન ચંદ્રવદન શાહ, વાઇસ ચેરમેન રમેશભાઈ પરીખ, અરવિંદભાઈ પટેલ, ભારતીય વિદ્યા ભવન્સ મુંબઈ હેડ ઓફિસના ખજાનચી આઇ. આર. ખાંડવાલા વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.