ભારતીય વિદ્યાભવનના એકઝીકયુટિવ ડિરેકટર, ફિલ્મ, રંગમંચ અને ટેલિવિઝનના પીઢ અને તેજસ્વી કલાકાર દીપક દવેનું દુખદ અવસાન 

  છેલ્લા દસેક વરસથી ન્યુયોર્ક સ્થિત ભારતીય વિદ્યાભવનમાં એકઝીકયુટિવ ડિરેકટર તરીકે યશસ્વી કામગીરી બજાવનારા ફિલ્મ અને રંગમંચના પીઢ અભિનેતા દીપક દવેનું સોમવારે 29 જૂને દુખદ અવસાન થયું હતું. 1980ના દાયકાની શરૂઆતથી પોતાની અભિનય કારકિર્દીનો આરંભ કરનારા દીપક દવેએ  અનેક ગુજરાતી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. તેમણે ગુજરાતી રંગમંચ પર અનેક નાટકોમાં ભૂમિકાઓ ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. સોહામણું વ્યક્તિત્વ અને ઘેરો, ઘુંટાયેલો કેફી અવાજ ધરાવતા દીપક દવેએ ટીવી સિરિયલોમાં પણ યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી ભાષા પર સારો કાબૂ ધરાવતા હતા. 1998માં આવેલી તેમની ગુજરાતી ફિલ્મ નાનો દિયરિયો લાડકોમાં તેમની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી. તેઓ પોતાનો પરિચય ફ્રી લાન્સ એકટર તરીકે આપતા હતા. તેમણે વોઈસ ઓવર આર્ટિસ્ટ, ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ નોંધપાત્ર સફળતા મેળવી હતી. અમેરિકામાં પણ તેઓ અનેક સાંસ્કૃતિક અને રંગમંચની પ્રવૃત્તિઓ સતત કરતા રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય , નાટક અને કવિતામાં ઊંડો રસ ધરાવતા દીપક દવે સ્વભાવે સૌમ્ય, વિવેકી અને મિલનસાર હતા. ભારતીય વિદ્યાભવનના માધ્યમથી તેઓ   ભારતીય સાહિત્ય, કલા અને સંગીતના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે સતત કામ કરતા રહ્યા હતા. અમેરિકાના ભારતીય સાંસ્કૃતિક – જગતમાં દીપક દવેએ પોતાનું આગવું સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં હતા. તેમના અવસાનથી ભારતીય અમેરિકન સમાજે એક તેજસ્વી કલાવંત ગુમાવ્યો છે. પરમ પિતા પરમેશ્વર તેમના પુનિત આત્માને પરમ શાંતિ આપે  અને તેમના પરિવારજનોને આ દુખની ઘડીએ ઈશ્વર શક્તિ અને હિંંમત આપે એ જ પ્રાર્થના . ઓમ શાંતિ…