ભારતીય વંશના ષણ્મુખારત્નમ સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ

સિંગાપુર: અમેરિકા અને બ્રિટન પછી હવે સિંગાપુરમાં પણ ભારતનો ડંકો વાગ્યો છે. ભારતીય વંશના ષણ્મુખારત્નમ દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓએ ૭૦.૪ ટકા મત મેળવી તેમના નિકટના ચીની વંશના પ્રતિસ્પર્ધીને પરાજીત કર્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ભારતીય વંશના છે. તેઓનું સંપૂર્ણ નામ થર્મન ષણ્મુખારત્નમ છે. પરંતુ વ્યવહારમાં તેઓ ષણ્મુખારત્નમ્ તરીકે ઓળખાય છે. ૬૬ વર્ષના અર્થશાસ્ત્રીતેવા ષણ્મુખારત્નમ પૂર્વે સિંગાપુરના નાયબ વડાપ્રધાન તરીકે પણ હતા.
આ ચૂંટણી પહેલેથી જ રસાકસીભરી રહી ન હતી. નિરીક્ષકો પૈકી મોટા ભાગનાષણ્મુખારત્નમના વિજયની સંભાવના દર્શાવતા જ હતા. આ ‘સીટી સ્ટેટ’માં થયેલી ચૂંટણી પછી રીટર્નિંગ અધિકારી તાન-મેંગ દુઈએ કહ્યું હતું કે, હું ‘થર્મન ષણ્મુખારત્નમને સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કરું છું.’ અત્યારે સિંગાપુરમાં રાષ્ટ્રપતિ હલીમા યાકુબ છે તેઓ ૨૦૧૭માં છ વર્ષ માટે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરિણામો ઘોષિત થયા પૂર્વે ષણ્મુખારત્નમે એક ભાષણમાં કહ્યું હતું, ‘મારું માનવું છે કે આ સિંગાપુરનો વિશ્વાસનો મત છે. આ ભવિષ્ય માટેના આશાવાદનો મત છે જે દ્વારા આપણે એક સાથે પ્રગતિ કરી શકીશું.’
સિંગાપુરમાં રાષ્ટ્રપતિપદ ઘણું મહત્ત્વનું છે. જે ઔપચારિક રીતે જ સંચિત વિત્તીય ભંડારની દેખરેખ રાખે છે. ભ્રષ્ટાચાર વિરોધી તપાસને મંજૂરી આપે છે. રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર પણ છે. નિરીક્ષકો જણાવે છે કે, ષણ્મુખારત્નમનો વિજય સત્તારૂઢ પીપલ્સ એક્શન પાર્ટી માટે પ્રોત્સાહક બનશે. ૧૯૫૯થી આ પાર્ટીનું સિંગાપુર ઉપર સતત શાસન રહ્યું છે. લાંબા સમયના શાસનના લીધે રાજકીય ગોટાળા અને ભ્રષ્ટાચારનો ભોગ બની હતી.
ષણ્મુખારત્નમ પૂર્વ વિત્ત મંત્રીપદે પણ હતા. તેઓ ભ્રષ્ટાચાર વિરોધી કડક પગલા લેવા માટે અને તટસ્થ આર્થિક નીતિ માટે જાણીતા બની રહ્યા તેથી જ સિંગાપુરની પચરંગી પ્રજાએ તેમને પસંદ કર્યા છે તેમ નિરીક્ષકોનું કહેવું છે.