ન્યુ યોર્કઃ વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશનએ ૨૦૨૧ના પ્રાઈઝ માટે ભારતીય મુળની શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડને આપવાની જાહેરાત કરી છે. શકુંતલાએ કુપોષણ અને ભૂખને વિશ્વમાંથી ખત્મ કરવા માટે ભોજનના વિકલ્પના રૂપમાં માછલી અને દરિયાઈ ફૂડ પર કામ કર્યું છે. વિશ્વની લગભગ એક અબજ વસ્તીનો ભોજનનો અભિન્ન હિસ્સો માછલી અને અન્ય સી-ફૂડના પદાર્થ છે. એમાં મોટાભાગના લોકો આફ્રિકી, એશિયાઈ અને પેસીફિક ક્ષેત્રના ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગના દેશોમાં નદીઓ, સરોવરો કે સમુદ્ર કિનારે રહે છે.
આ વિસ્તારોમાં ભોજનમાં તાજી કે સૂકી માછલી મુખ્ય હિસ્સો છે અને આ સસ્તી હોવાની સાથે-સાથે ઈંડા, ડેરી ઉત્પાદન અને ફળની તુલનામાં વધુ સરળતાથી મળી રહી છે. આ વોટર સુપરફૂડ સૂક્ષ્મ પોષક તત્ત્વોના ભંડાર હોય છે, જે માનવ સ્વાસ્થ્ય અને સંજ્ઞાનાત્મક વિકાસ માટે જરૂરી હોય છે. વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને ૧૧ મેના રોજ શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડના નામની જાહેરાત કરી હતી. ફાઉન્ડેશને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧ની વિજેતા અને પોષણ વૈજ્ઞાનિક શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડએ આ દિશા તરફ ધ્યાન અપાવવામાં ખુબ કામ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રાઈઝમાં વિજેતાને ૨.૫ લાખ ડોલરની રકમ આપવામાં આવે છે અને પ્રાઈઝને ખાદ્ય અને કૃષિ ક્ષેત્રનો નોબેલ પ્રાઈઝ માનવામા આવે છે. આની સ્થાપના નોબેલ પુરસ્કાર વિજેતા નોરમન બોરલોગે ૧૯૭૦માં કરી હતી. આ વર્ષે આ સન્માન શકુંતલા થિલ્સ્ટેડના ચાર દાયકાના કામને સન્માનિત કરવા માટે આપવામાં આવ્યું છે.