ભારતીય મૂળના ફાર્મા કંપનીના  CEOની  અમેરિકામાં ગોળી મારી હત્યા

 

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ જર્સીમાં ફાર્મા કંપનીના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેસીનોમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ જર્સીના પ્લેઈન્સબોરોના રહેવાસી ૫૪ વર્ષીય શ્રી રંગા અરવપલ્લી શનિવારે જ્યારે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યારો શ્રી રંગાનો છેક ફિલાડેલ્ફિયાના કેસીનોમાંથી નિકળ્યા ત્યારથી પીછો કરી રહ્યો હતો. અંદાજે ૮૦ કિ.મી સુધી તેણે ફાર્મા કંપનીના સીઈઓનો પીછો કર્યો હતો અને ન્યુ જર્સી સ્થિત તેના ઘર નજીક પહોંચતા જ લૂંટના ઈરાદે તેની ગોળી મારીને હત્યા કરી હતી. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ રાત્રે ૩.૩૦ કલાકે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતના પત્ની અને પુત્રી ત્યારે ઘરમાં ઉંઘી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અરવપલ્લી મંગળવારે પાર્ક્સ કેસિનોમાં ૧૦,૦૦૦ ડોલર જીત્યા હતા. આ માહિતી ધરાવતા એક શખ્સે લૂંટના ઈરાદે તેનો પીછો કરી તેની હત્યા કરી હતી. હત્યારાની ઓળખ જેકી રીડ જોન તરીકે થઈ છે.