ભારતીય મૂળના આઠ વર્ષના બાળકે ચેસમાં 37 વર્ષના ગ્રેન્ડમાસ્ટરને હરાવ્યો

સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે 16 વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને હાલના નંબર-વન નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી હતી. આ વર્ષે પણ ભારતના બીજા ટીનેજર ડી. ગુકેશે કાર્લસનને પરાસ્ત કર્યો ત્યાર પછી હાલના વર્લ્ડ ચેમ્પિયન ચીનના ડિન્ગ લિરેનને પણ પરાજિત કર્યો હતો. સિંગાપોરના ફક્ત આઠ વર્ષની ઉંમરના અશ્વથ કૌશિકે પોલેન્ડના ગ્રેન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને હરાવી દીધો હતો. આઠ વર્ષનો આ બાળક ભારતીય મૂળનો છે. તેણે સ્વિટ્ઝરલેન્ડની બુર્ગડોર્ફર સ્ટેડથોસ ઓપન નામની ટૂર્નામેન્ટમાં આ રોક પર્ફોર્મન્સથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. સ્ટોપા 37 વર્ષનો છે અને અશ્વથથી પાંચગણો મોટો છે. અશ્વથે નવો રેકોર્ડ કર્યો છે. તેની પહેલાં સર્બિયાના લીઓનિદ ઇવાનોવિચનો રેકોર્ડ હતો. અશ્વથથી ઉંમરમાં થોડા મહિના મોટા ઇવાનોવિચે થોડા અઠવાડિયા અગાઉ બલ્ગેરિયાના 60 વર્ષની ઉંમરના ગ્રેન્ડમાસ્ટર મિલ્કો પોપચેવને બેલગ્રેડ ઓપનમાં હરાવી દીધો હતો. જોકે ઇવાનોવિચથી અશ્વથ નાનો છે અને તેણે મેળવેલી સિદ્ધિ હવે નવો વિશ્ર્વવિક્રમ છે. ચેસની વિશ્ર્વસંસ્થા ફિડેમાં અશ્વથની વિશ્ર્વમાં 37,338મી રેન્ક છે. તે ભારતનો નાગરિક છે અને 2017માં પરિવાર સાથે સિંગાપોરમાં સ્થાયી થયો હતો. સિંગાપોર ચેસ ફેડરેશનના સીઇઓ કેવિન ગોહે અશ્વથની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે ‘તેનામાં નેચરલ ટેલન્ટ છે. તે ચેસમાં હવે કેટલો આગળ વધશે એ જોવું રહ્યું, કારણકે બાળકો જેમ મોટા થાય એમ તેમની રુચિમાં ફેરફાર આવતો હોય છે. જોકે આશા રાખીએ કે અશ્વથ ચેસમાં ખૂબ આગળ વધે.’ અશ્વથના પપ્પા શ્રીરામ કૌશિકે પુત્રના વિક્રમ બદલ તેના પ્રશિક્ષકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ‘મારા જીવનની સૌથી વધુ ગર્વ અપાવતી પળોમાંની આ એક પળ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here