ભારતીય મહિલા હોકી ટીમે આફ્રિકાને ૫-૧થી હરાવ્યું

 

કેપટાઉન: ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ૪ મેચની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં યજમાન ટીમ પર મોટી જીત નોંધાવી હતી. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૫-૧થી હરાવી શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની અનુભવી સ્ટ્રાઈક રાની રામપાલે એક ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી. ગયા વર્ષે જૂનમાં એફઆઇએચ મહિલા હોકી પ્રો લીગ ૨૦૨૧-૨૨માં બેલ્જિયમ સામે રમીને ટીમમાં પરત ફરેલી રાનીએ મેચની બારમી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી મોનિકા (વીસમી), નવનીત કૌર (૨૪મી), ગુરજીત કૌર (પચીસમી) અને સંગીતા કુમારીએ (૩૦મી) ગોલ કર્યા હતા. હાફ ટાઇમ સુધી ભારત ૫-૦થી આગળ હતું. જોકે, દક્ષિણ આફ્રિકા તરફથી એકમાત્ર ગોલ કેપ્ટન કાનિતા બોબ્સે ૪૪મી મિનિટે કર્યો હતો. ગયા વર્ષે યુનિફર અંડર-૨૩ ફાઇવ નેશન્સ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન જુનિયર ટીમની કેપ્ટનશીપ કરનાર મિડફિલ્ડર વૈષ્ણવી ફાળકેએ પોતાની સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.