ભારતીય નૌકાદળમાં વિદ્યાર્થી ઉત્કર્ષ ચાંપાનેરીને જોડાવવા ચારુસેટ પથદર્શક બની

ચાંગાઃ ચારુસેટ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉત્સવ ચાંપાનેરીને ભારતીય નૌકાદળમાં જોડાવવા માટે ચારુસેટ યુનિવર્સિટી પથદર્શક બની છે. ઉત્સવ ચાંપાનેરી કહે છે, ચારુસેટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે ભારતીય નૌકાદળના અધિકારીઓ ચારુસેટ કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. તેમને જાઈને ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવાનું મન થયું હતું. નાણાં કમાવાને બદલે સાહસ અને હેતુલક્ષી કારકિર્દી બનાવવાનું સપનું ભારતીય નૌકાદળમાં જોડાઈને સાકાર થયું છે. ભારતીય નૌકાદળમાં ભરતી પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં બે વાર નિષ્ફળતા મળી હોવા છતાં હિંમત ન હારતાં અંતે ત્રીજી વાર કરેલો પ્રયાસ સાકાર થયો હતો.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાનો વતની ઉત્સવ ચાંપાનેરી કહે છે કે ચારુસેટમાંથી જ મને ભારતીય નૌકાદળમાં જવાનો માર્ગ અને દિશા સાંપડી છે તેમ જ તેના પરિણામે દેશની સેવા કરવાની તક પણ મળી છે. ભારતીય નૌકાદળમાં પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થાય છે. પ્રથમ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ભારતભરમાંથી આવતી લાખો અરજીઓમાંથી હજારેક ઉમેદવારોને બીજા તબક્કામાં બોલાવાય છે. બીજા તબક્કામાં સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા 300થી 80 ઉમેદવારોની બેચનું સ્ક્રીનિંગ કરીને ગ્રુપ ડિસ્કશન અને આઇક્યુ ટેસ્ટથી 30 ઉમેદવારોને વધુ કડક પરીક્ષણો માટે પસંદ કરાય છે. ત્રીજા તબક્કામાં માનસિક પરીક્ષણ કરાય છે, જેમાં હું બે વાર નિષ્ફળ ગયો હતો. છતાં ત્રીજી વાર પ્રયાસ કર્યો હતો અને પાસ થઈ ગયો હતો. ચોથા તબક્કામાં તબીબી પરીક્ષણ થાય છે, જેમાં લશ્કરી ધારાધોરણો સાથે સહેજ પણ સમાધાન કરાતું નથી. ચાર તબક્કાની સફળતા પછી ભારતીય નૌકાદળમાં સામેલ થવાનું શક્ય બને છે.