ભારતીય નૌકાદળની પહોંચ હિન્દ મહાસાગરથી વધી એટલાન્ટિક મહાસાગર સુધી

 

મુંબઈઃ ભારતીય નૌકાદળને રવિવારે સમુદ્રનો સરતાજ મળી ગયો છે. વિધ્વંશક આઈએનએસ વિશાખાપટ્ટનમ નૌકાદળમાં સામેલ કરાતાં આ દળની તાકાતમાં ઘણો વધારો થશે. આ અવસરે દેશવાસીઓને વધામણી આપતાં સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, મને આઈએનએસ વિશાખા-પટ્ટનમ નામને સાર્થક કરતાં દેશની સુરક્ષા મજબૂત કરશે તેવો વિશ્વાસ છે. સંરક્ષણ મંત્રીએ ચીનનું નામ લીધા વિના પાડોશી દેશ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભારત હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં મુક્ત આવાગમનનું સમર્થન કરે છે પરંતુ અમુક બિનજવાબદાર દેશ સમુદ્રી સરહદ પર બનેલા સંયુકત રાષ્ટ્રના નિયમોને પણ માનતા નથી. 

ભારત એક જવાબદાર દેશ છે અને પોતાની જવાબદારી સમજે છે. રાજનાથસિંહે કહ્યું કે આઈએનએસ વિશાખાપટ્ટનમના નૌસેનામાં સામેલ થવાથી આપણી પહોંચ હિન્દ મહાસાગરથી વધીને પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરમાં પણ થઈ ગઈ છે. આ યુદ્ધજહાજથી હવાથી જમીન, હવા અને પાણી એમ ત્રણે પર હુમલો કરી શકાય છે. 

ભારત ટૂંક સમયમાં સમગ્ર દુનિયા માટે જહાજનું નિર્માણ કરશે. આઈએનએસ વિશાખા-પટ્ટનમના કેપ્ટન વીરેન્દ્ર બેન્સે જણાવ્યું હતું કે ૩૦ નોટિકલ માઈલ્સની ગતિથી ચાલવામાં સક્ષમ આ યુદ્ધ જહાજની લંબાઈ ૧૬૪ મીટર અને વજન ૭૫૦૦ ટન છે. આ યુદ્ધજહાજની ડિઝાઈન  સંપૂર્ણપણે સ્વદેશમાં નિર્મિત અત્યાધુનિક યુદ્ધજહાજ ૧૬૩ મીટરની લંબાઈ ધરાવે છે અને હવાઈ હુમલાથી બચવા ૩૨ બેરેક અને આઠ મિસાઈલથી સજ્જ છે.

‘સરતાજ’ પરથી મિસાઈલ હવામાં માર કરી શકે છે, જેનો ઉપયોગ વિમાન, હેલિકોપ્ટર, એન્ટિશિપ મિસાઈલ, ડ્રોન, બેલેસ્ટિક, ક્રૂઝ તેમજ યુદ્ધ વિમાનોને નષ્ટ કરવા માટે થઈ શક છે. આઈએનએસ વિશાખા-પટ્ટનમ ૧૬ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે. કુલ ૧૭ મીટરની પહોળાઈ સાથે આ જહાજ ૭૪૦૦ ટન વજન  ધરાવે છે. ‘સરતાજ’ની મહત્તમ ગતિ પ્રતિ કલાક ૫૫.૫૬ કિલોમીટર છે અને તેને ચાર ગેસ ટર્બાઈન એન્જિનથી તાકાત મળે છે. આઇએનએસ વિશાખાપટ્ટનમની સૌથી મોટી ખાસિયત એ છે કે જહાજની બહારની બાજુ એક ખાસ સ્ટીલની ધાતુમાંથી બનાવેલી હોવાથી દુશ્મનોના રડાર પણ એને આંતરી શકશે નહીં. વિશાખાપટ્ટનમ દેશનું પહેલું પી-૧૫બી ક્લાસનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંશક છે. એની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક ૫૫.૫૬  કિલોમીટર છે. યુદ્ધ જહાજમાં ટોરપીડો ટયુબ અને લોન્ચર, સબમરીન વિરોધી રોકેટ લોન્ચર, સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે.