ભારતીય-અમેરિકન સમુદાયને સેવા પ્રદાન બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત

(ડાબેથી) પદ્મશ્રી ડો. સુધીર પરીખને ગ્લોબલ ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરતાં બોલીવુડનાં અભિનેત્રી મહિમા ચૌધરી. તેમની સાથે જાણીતા ગાયિકા જ્યોતિકા તાંગરી અને ડો. સુધા પરીખ નજરે પડે છે. (જમણે) બોલીવુડનાં અભિનેત્રી મહિમા ચૌધરી અને એવોર્ડવિજેતા ગાયિકા જ્યોતિકા તાંગરી 30મી માર્ચે ન્યુ યોર્કમાં ક્વીન્સના ફલશિંગમાં વર્લ્ડ ફેર મરીનામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યુ યોર્કઃ ન્યુ યોર્ક સિટીમાં ફલશિંગમાં વર્લ્ડ ફેર મરીનામાં 30મી માર્ચે ભારતીય-અમેરિકી સમુદાયને સેવા પ્રદાન કરનારા વિવિધ ભારતીય-અમેરિકનો અને તેઓની સંસ્થાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રીનાથ એન્ટરપ્રાઇઝ ઇન્ક. દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગોલ્ડન ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ ‘ગુજરાત ટાઇમ્સ’ના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખને પ્રદાન કરવામાં આવ્યો હતો. જાણીતા એલર્જિસ્ટ-ઇમ્યુનોલોજિસ્ટ તેમ જ ટ્રાયસ્ટેટ એરિયાના ઉદ્યોગપતિ ડો. સુધીર પરીખને તેમની પરોપકારી પ્રવૃત્તિ તેમ જ યુએસ-ઇન્ડિયા સંબંધોમાં તેમના પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. સુધીર પરીખે થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા’ઝ ગ્લોબલ ડેવલપમેન્ટની સ્થાપના કરી છે, જે વિશ્વમાં હકારાત્મક બદલાવ લાવવા નવા વિચારોનું સર્જન કરવામાં ભારતીય-અમેરિકનો અને અમેરિકી નિષ્ણાતોને પ્લેટફોર્મ આપે છે.
સુહાગ મહેતાએ જણાવ્યું હતું કે અમે એવા મહાનુભાવોને સન્માનિત કરીએ છીએ, જેમણે સમુદાય માટે ઉમદા સેવાભાવી પ્રવૃત્તિ કરી છે.
અન્ય સન્માનિત મહાનુભાવોમાં સફળ ન્યુ યોર્ક હોટેલિયર હર્ષદ પટેલ, નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન વેજિટેરિયન વિઝનનાં ચાર અગ્રણીઓ માલતી શાહ-ચંદ્રા મહેતા-કે. કે. મહેતા-એચ. કે. શાહનો સમાવેશ થતો હતો તેમ શ્રીનાથ એન્ટરપ્રાઇઝ ઇન્ક.ના પ્રેસિડન્ટ સુહાગ મહેતાએ જણાવ્યું હતું.
ફલોરલ પાર્ક ઇન્ડિયા ડે પરેડે શ્રીનાથ એન્ટરપ્રાઇઝ ઇન્ક.ને સમર્થન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓમાં બોલીવુડની સ્ટાર અને ભૂતપૂર્વ મોડેલ મહિમા ચૌધરી અને સારેગામાપા ફાઇનલિસ્ટ જ્યોતિકા તાંગરીનો સમાવેશ થતો હતો. જ્યોતિકાએ પોતાના સૌપ્રથમ પ્લેબેક સોન્ગ ‘પલ્લો લટકે’ માટે ઝી સીને એવોર્ડ જીત્યો હતો.