
ચીનની 4 દિવસની યાત્રાએ ગયેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વકતવ્ય આપતાં કહ્યું હતું કે, ભારતના લોકો ચીનની યાત્રા કરવા જાય ત્યારે તેઓ ચીની બોલતાં કે સમજતાં ન હોવાથી તેમને માટે ઘણીવાર મુશ્કેલી ઊભી થાય છે. એજ રીતે ચીનના લોકો ભારતમાં પ્રવાસે આવે ત્યારે તેઓ ભારતની ભાષા ન જાણતાં હોવાથી તેમને માટે પણ અનેક સમસ્યા સર્જાતી રહે છે. હવે ભારત-અને ચીનના સંબંધો પરસ્પર વધુ મજબૂત થતા જાય છે. આથી આપણે એકમેકની નિકટ આવવું હોય તો આપણને એકમેકની ભાષા સમજતાં – બોલતાં આવડવું જોઈએ. જેથી ભારત અને ચીનના લોેકો એકમેકની વાત સરળતાથી જાણી- સમજી શકે. એકબીજાની ભાવના સમજી શકે અને પોતાની લાગણીની અભિવ્યક્તિ કરી શકે.સુષમા સ્વરાજે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, જયારે બે દેશની જનતા એકમેકને પ્રેમ કરે છે ત્યારે વાસ્તવમાં બન્ને દેશની સરકારોના પારસ્પરિક સંબંધો વધુ ગાઢ, વધુ આત્મીયતાપૂર્ણ અને વધુ મજબૂત બને છે.સમારંભમાં હાજર ચીની વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, તમને વિદ્યાર્થીબંધુઓને એ વાતની જાણ નથી કે તમે હિન્દી ભાષા શીખીને ચીન-ભારતના સંબંધો વધુ મજબૂત કરી શકો છો. જે કામ બન્ને દેશના વિદ્યાર્થીઓ કરી શકે છે, એ કામ બન્ને દેશના વિદેશમંત્રીઓ પણ નથી કરી શકતા. તેમણે કહ્યું હતું કે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર અને હિન્દી મીડિયમ જેવી હિન્દી ફિલ્મોએ ચીનમાં ખૂબ લોકપ્રિયતા અને સફળતા હાંસલ કરી છે. તમે સબટાઈટલ વાંચીને ફિલ્મ જુઓ છે , એના કરતા જો તમે ભાષાને સમજીને ફિલ્મ જોશો તો તમને વધુ આનંદ મળશે