ભારતીયો ઈન્ટરનેટ વાપરવામાં મોખરે, પ્રતિ માસ ૧૮.૪ જીબી ડેટાનો ઉપયોગ કરે છે

 

નવી દિલ્હી: સ્માર્ટફોન પર સૌથી વધારે સમય વીતાવવામાં ભારતીયો પહેલા ક્રમે છે. આ વાત ફક્ત કોલ કે મેસેજ પૂરતી નથી. સ્ટ્રીમિંગ અને સોશિયલ નેટર્વકિંગ સાઇટ્સ પર પણ ભારતીયો વધારે સમય વીતાવવા લાગ્યા છે. તેમા પણ વર્ક ફ્રોમ હોમે મોબાઇલ ડેટા અને ઉપયોગને વધાર્યો છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ જારી રહેશે. 

એરિકસન મોબિલિટીના રિપોર્ટ મુજબ ભારતમાં ૨૦૧૯માં પ્રતિ વ્યક્તિ સરેરાશ ૧૨ જીબી ડેટાનો દર મહિને ઉપયોગ કરતો હતો, જે ૨૦૨૦ અને ૨૦૨૧માં વધ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૨૦માં ભારતમાં ડેટાનો વપરાશ પ્રતિ વ્યક્તિ વધીને ૧૩.૩ જીબી થયો હતો. હવે ૨૦૨૧માં આ આંકડો વધીને પ્રતિ વ્યક્તિ ૧૮.૪ જીબી થયો છે.

તેની સામે ઉત્તર અમેરિકામાં આ આંકડો ૨૦૧૯માં પ્રતિ વ્યક્તિ ૮.૯ જીબી હતો, ૨૦૨૦માં વધીને ૧૧.૮ જીબી થયો. ૨૦૨૧માં આ આંકડો ૧૪.૬ જીબીને પાર કરી ગયો. પશ્ર્ચિમ યુરોપમાં આ આંકડો ૨૦૧૯માં ૭.૫ જીબી હતો, ૨૦૨૦માં વધીને તે પ્રતિ માસ ૧૧ જીબીથી પણ વધી ગયો. ૨૦૨૧માં તે ૧૫.૨ જીબી થઈ ગયો.

મધ્ય અને પૂર્વ યુરોપમાં ડેટાની ખપત ૨૦૧૯માં પ્રતિ વ્યક્તિ દર માસે ૫.૧ જીબી હતી, જે ૨૦૨૦માં ૭.૩ જીબી થઈ. ૨૦૨૧માં આ આંકડો વધીને ૯.૯ જીબી થયો છે. આ અહેવાલમાં કહેવાયું છે કે ભારતીયો યુરોપ અને ઉત્તર અમેરિકાની તુલનાએ સ્માર્ટફોન પર વધારે સમય વીતાવે છે. ૨૦૨૦માં પ્રતિ વ્યક્તિ સ્માર્ટફોનના ટ્રાફિક દર માસે સરેરાશ ૧૬.૧ જીબી હતો. ૨૦૨૧માં તે વધીને ૧૮.૪ જીબી થયો. તેનું એક કારણ વર્ક ફ્રોમ હોમમાં થયેલી વૃદ્ધિ છે. ૨૦૨૧માં ભારતમાં ૮૧ કરોડ સ્માર્ટફોન હતા અને આ આંકડો ૨૦૨૭ સુધી વધી ૧.૨ અબજ  થઈ જશે. ભારતમાં ૨૦૨૭ સુધી ફોર-જીનો દબદબો રહેશે. જ્યારે ૨૦૨૭ના અંત સુધીમાં ભારતમાં ફાઇવ-જીના ૫૦ કરોડ ગ્રાહકો હશે.

આ ઉપરાંત વિશ્ર્વમાં સૌથી સસ્તો મોબાઇલ દર ભારતમાં છે. વર્લ્ડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગના રિપોર્ટ મુજબ ભારતમાં પ્રતિ એક જીબી મોબાઇલ પેકેજ વિશ્ર્વમાં સૌથી વધુ સસ્તુ છે. તેના પછી ઇઝરાયેલ, કિર્ગિસ્તાન, ઇટલી અને યુક્રેનનો નંબર આવે છે.

અહેવાલમાં કહેવાયું હતું કે ભારતનો મોટાભાગનો વર્ગ યુવા છે અને તે ટેકનોસેવી છે. ભારતનું સ્માર્ટફોન માર્કેટ વાઇબ્રન્ટ છે. તેમા નવી-નવી ટેકનોલોજી સમાવવાની ક્ષમતા છે. બજારમાં ભારે સ્પર્ધા છે અને ડેટા પણ અત્યંત સસ્તો છે. ભારતમાં પ્રતિ વન જીબી મોબાઇલ ડેટાની કિંમત ૦.૦૯ ડોલર છે. ઇઝરાયેલમાં ૦.૧૧ ડોલર, કિર્ગિસ્તાનમાં ૦.૨૧ ડોલર, ઇટલીમાં ૦.૪૩ ડોલર, યુક્રેનમાં ૦.૪૬ ડોલર છે. સૌથી મોંઘો દર સેન્ટ હેલેનાનો છે.

ગ્રાહકો આગામી દિવસોમાં મોબાઇલ પર વર્ષના કુલ ૯૩૦ કલાક એટલે કે ૩૯ દિવસ મોબાઇલ પર વીતાવશે. આ સરવે કુલ ૫૭ દેશોમાં કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ૨૦૨૧માં આ દેશોમાં ૪૫ લાખ કરોડ કલાક મોબાઇલ ઇન્ટરનેટ ડિવાઇસીસ પર વીતાવાયા હતા.

૨૦૧૫માં વિશ્ર્વના લોકો મોબાઇલ પર માંડ ૮૦ મિનિટ જ ઇન્ટરનેટ જોતા હતા. આ સમયગાળો હવે ૧૩૦ મિનિટ થઈ ગયો છે. સ્માર્ટફોનની ઉપલબ્ધતા, સ્પીડ, સારો સ્ક્રીન, એપ ઇનોવેશને મોબાઇલ પર ઇન્ટરનેટના ઉપયોગની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. વૈશ્ર્વિક મીડિયા વપરાશમાં ૨૦૨૧માં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ ૨૭ ટકાથી વધીને ૨૦૨૨માં ૩૧ ટકા થશે. તેનાથી વિપરીત લોકોના છાપા વાંચવાના સમયમાં ઘટાડો થયો છે. ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન આ સમય ૧૭ મિનિટથી ઘટીને ૧૧ મિનિટ થયો છે. જ્યારે મેગેઝિન વાંચવાનો સમય આઠ મિનિટથી ઘટી ચાર મિનિટ થયો છે.