ભારતમાં ‘સરમુખત્યારશાહી’, ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીતે હુમલાઓ થાય છેઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કરતા જણાવ્યું કે દેશમાં ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને હાલમાં ભારતમાં સરમુખત્યારશાહી જોવા મળે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પીડિત પરિવારોને મળવાથી રાજકારણીઓને રોકવામાં આવી રહ્યા છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના બે મુખ્યમંત્રીઓ ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) અને ચરણજીત સિંહ ચન્ની (પંજાબ) સાથે લખીમપુર ખીરીની મુલાકાત લેશે. તોફનોમાં પ્રભાવિત થયેલા પરિવારની તેઓ મુલાકાત લેશે તેમ કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું હતું. અગાઉ રાહુલ ગાંધીને લખીમપુર ખીરીની મુલાકાત લેવા માટે ઉત્તર પ્રદેશ સરકાર મંજૂરી આપી નહોેતી પરંતુ બાદમાં રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીને મંજૂરી આપવામાં આવી હતી.

આ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, અગાઉ ભારત દેશમાં લોકશાહી હતી, પરંતુ હવે સરમુખત્યારશાહી છે. રાજકારણીઓ ઉત્તર પ્રદેશ નથી જઈ શકતા. અમને ગઈકાલે જણાવાયું હતું કે અમે ઉત્તર પ્રદેશ નહીં જઈ શકીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદી મંગળવારે લખનઉમાં હતા પરંતુ ત્યાં હિંસામાં આઠ લોકોનાં મોત થયા હતા છતા વડા પ્રધાન મોદી લખીમપુર ખીરીના પીડિત પરિવારનો મળ્યા નહીં. 

પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે પૂછતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ મુદ્દો ખેડૂતોનો છે. જ્યાં સુધી પ્રિયંકા ગાંધીનો પ્રશ્ન છે તેઓની અટકાયત કરાઈ હતી પરંતુ આ મામલો ખેડૂતોનો છે. સરકાર દ્વારા ખેડૂતો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જીપ દ્વારા કચડી દેવામાં આવે છે અને હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના એક મંત્રીના પુત્રનું નામ આ કેસમાં ઉછળ્યું છે પરંતુ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા.

ભારતના ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ હુમલો જમીન અધિગ્રહણ બિલને બદલવાના મુદ્દે કરાયો હતો. બીજો હુમલો ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા થયો હતો. આજે પણ વ્યવસ્થિત રીતે ખેડૂતોનું જે કંઈ છે તેને છીનવી લેવામાં આવે છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, ઉત્તર પ્રદેશમાં નવા પ્રકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે જ્યાં અપરાધીઓને મનમરજી કરવા દેવામાં આવે છે અને ન્યાય માંગનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. 

યુપીમાં જે ગુનો આચરે છે તે બહાર ફરી રહ્યા છે અને જેના કોઈ સ્વજન મૃત્યુ પામે છે તેમને જેલમાં ધકેલવામાં આવે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે લખીમપુર ખીરી જવા ઈચ્છીએ છીએ અને પીડિતોના પરિવારને સમર્થન કરવા ઈચ્છીએ છીએ. ફક્ત અમને જ રોકવામાં આવી રહ્યા છે અન્ય પક્ષોને મુલાકાત માટે મંજૂરી આપવામાં આવે છે. અમે શું ગુનો કર્યો છે. વિપક્ષનું કામ સરકાર પર દબાણ લાવવાનું છે અને ખોટું કરનારા સામે પગલાં લેવાનું છે. અમે અમારું કામ કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જીપ નીચે કચડીને મૃત્યુ પામનારા લોકોનું પોસ્ટમોર્ટન પણ યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું.