ભારતમાં શિક્ષણ માટે ભંડોળ એકઠું કરવા એકલ વિદ્યાલય દ્વારા યોજાયેલી કોન્સર્ટ

ન્યુ યોર્કઃ ભારતમાં શિક્ષણ માટે ભંડોળ એકઠું કરવા માટે નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એકલ વિદ્યાલયના શિકાગો મેટ્રો નોર્થ ચેપ્ટર દ્વારા મ્યુઝિકલ ઇવનિંગ-કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૌશિક દેશપાંડે અને તેમના ગ્રુપે પરફોર્મ કર્યું હતું.
ઇલિનોઇસના મુન્ડેલેઇનના મેયર સ્ટીવ લેન્ટ્સે દીપપ્રાગટ્ય સાથે કોન્સર્ટની શરૂઆત કરી હતી. ઇલિનોઇસના સેનેટર ડીક ડરબીને પોતાના શુભેચ્છા સંદેશામાં આયોજકોની પ્રશંસા કરી હતી.
એકલ વિદ્યાલયના સ્થાપક શ્યામ ગુપ્તાએ પણ પત્ર લખીને ચેપ્ટરને અભિનંદન આપ્યાં હતાં. સાડા ત્રણ કલાકની આ કોન્સર્ટમાં દર્શકો તરફથી માતબર દાન એકઠું કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ ભારતમાં ગામડાંઓમાં વસતા અશિક્ષિતોને શિક્ષિત કરવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે થશે.
આયોજકોએ જણાવ્યું હતું કે આ જ પ્રકારની પાંચ સમાંતર કોન્સર્ટ સેન્ટ્રલ ઇલિનોઇસ રિજિયનમાં કરાઈ હતી, જેમાં એકઠા થયેલા દાનથી 1174 સ્કૂલોને મદદ મળશે અને દરેકને 365 ડોલરનું દાન પ્રાપ્ત થશે.
એકલ વિદ્યાલય શિકાગો મેટ્રો (નોર્થ એન્ડ સાઉથ) ચેપ્ટર દ્વારા એકઠું થયેલું ભંડોળ 750 સ્કૂલોને મળશે, જ્યારે બ્લુમિંગ્ટન ચેપ્ટર 205 સ્કૂલોને સહાય કરશે. સ્પ્રિન્ગફિલ્ડમાં નવું ચેપ્ટર 65 સ્કૂલોને આવરી લેશે. ડબ્લ્યુઆઇ ચેપ્ટરનું ભંડોળ 154 સ્કૂલોને મદદ કરશે.