ભારતમાં વર્ષેદહાડે 420 મિલિયન પ્રવાસીઓ વિવિધ રાજ્યોમાં ફરવા જાય છે

અમદાવાદમાં ગ્લોબલ પેનોરમા શોકેસની ટ્રાવેલ્સ અને ટુરીઝમ વિષય પર યોજાયેલી પેપરલેસ ઇવેન્ટનું ઉદ્ઘાટન શહેરનાં મેયર બીજલબહેન પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જીપીએસ ફાઉન્ડર અને એમડી હરમનદીપસિંહ આનંદ અને જોઇન્ટ એમડી રિશીરાજસિંહ આનંદ ઉપસ્થિત રહ્યા હતા. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ દર વર્ષે ભારતમાં વિવિધ રાજ્યોમાં આવેલાં પ્રાદેશિક પ્રવાસન સ્થળો પર ભારતમાંથી જ આશરે 420 મિલિયનથી વધુ પ્રવાસીઓ ટુર પ્રવાસે ફરવા જાય છે. ભારતમાંથી વિદેશપ્રવાસે અંદાજે 18થી 20 મિલિયન લોકો જાય છે, જ્યારે વિદેશથી અહીં ભારતમાં પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યા માંડ 10 મિલિયન જેટલી છે.
દેશના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને ટ્રાવેલ્સ-ટુરીઝમ ક્ષેત્રને વધુ વિકાસશીલ અને પ્રોફેશનલ બનાવવાના હેતુથી અમદાવાદ શહેરમાં સૌપ્રથમ વાર દુનિયાની પહેલી પેપરલેસ ઇવેન્ટ યોજાઈ હતી. ગ્લોબલ પેનોરમા શોકેસ (જીપીએસ)ની ટ્રાવેલ્સ અને ટુરીઝમ વિષય પર યોજાયેલી ત્રિદિવસીય પેપરલેસ ઇવેન્ટનું ઉદ્ઘાટન શહેરનાં મેયર બીજલબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌથી નોંધનીય વાત એ છે કે, આ પેપરલેસ ઇવેન્ટના કારણે દર વખતે દોઢથી બે ટન જેટલા કાગળની કીમતી બચત શક્ય બને છે, જે અનોખો રેકોર્ડ છે. જીપીએસ ફાઉન્ડર અને એમડી હરમનદીપસિંહ આનંદ અને જોઇન્ટ એમડી રિશીરાજસિંહ આનંદે જણાવ્યું કે, દેશના પ્રવાસન ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા અને ગુજરાત સહિત દેશભરના ટ્રાવેલ્સ એજન્ટોને વધુ પ્રોફેશનલ, ગ્રાહકલક્ષી અને સેવાકેન્દ્રી બનાવવાના હેતુસર આ ઇવેન્ટ યોજાઈ હતી.