ભારતમાં મોડર્ના કોરોનાની રસીને કટોકટીમાં ઉપયોગની મંજૂરી

 

નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ અમેરિકી કંપની મોડર્નાની કોરોના રસીના ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. સિપ્લા કંપનીને આ રસીની આયાતની મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિપ્લાને દેશમાં ૧૦૦ લોકો પર બ્રિજ ટ્રાયલ પૂર્ણ કરવી જ પડશે. મોડર્ના પહેલી એવી આંતરરાષ્ટ્રીય રસી છે જે પૂર્ણ રીતે તૈયાર થઇને વિદેશથી આવશે અને તેના ડોઝ લોકોને આપવામાં આવશે. દેશને મળનારી આ ચોથી રસી છે. આનાથી પહેલાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીને મંજૂરી મળી ચૂકી છે. 

મોડર્નાને ભારતમાં પહેલી ઇન્ટરનેશનલ રસી એટલા માટે કહેવામાં આવે છે કે એ સીધી આયાત થાય છે. દેશમાં તેનું ઉત્પાદન નહીં થાય જ્યારે કોવિશિલ્ડને દેશમાં સીરમ ઇનિ્સ્ટટયૂટ બનાવી રહ્યું છે જ્યારે કોવેક્સિનને ભારત બાયોટેક અને આઇસીએમઆર સાથે મળીને બનાવી રહ્યા છે. જ્યારે રશિયાની સ્પુતનિક-વીનું ભારતમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરી ઉત્પાદન કરે છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરી સ્પુતનિકના ડેવલપર રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડના ભારતીય પાર્ટનર છે. 

મોડર્ના અને ફાઇઝર એ કંપનીઓમાં સામેલ છે જેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે તે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપ્યા બાદ યોજવામાં આવતી સ્થાનિક ટ્રાયલની મર્યાદાને દૂર કરે. પરંતુ સિપ્લાએ ૧૦૦ લોકો પર ટ્રાયલ કરવી પડશે. જો કે, રસીને ભારતમાં મંજૂરી મળવાથી પહેલાં ૧૫૦૦-૧૬૦૦ લોકો પર ટ્રાયલ કરવું પડે એમ હતું. જો કે, ૧૫મી એપ્રિલના સરકારે પોલિસીમાં બદલાવ કરીને તેને ૧૦૦ લોકો સુધી મર્યાદિત કરી દીધું છે. 

એક સૂત્રએ જણાવ્યું કે, ‘ડીસીજીઆઈ એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ હેઠળ, નવી ઔષધિ તથા ક્લિનિકલ પરીક્ષણ નિયમ, ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોવિડ-૧૯ રસીને આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. મોડર્નાએ એક પત્રમાં ૨૭ જૂને ડીસીજીઆઇને સૂચના આપી હતી કે અમેરિકી સરકાર અહીં ઉપયોગ માટે કોવિડ ૧૯ની પોતાની રસી એક વિશેષ સંખ્યામાં ડોઝ કોવેક્સ દ્વારા ભારત સરકારને દાન કરવા માટે સહમત થઈ ગઈ છે. સાથે તે માટે કેન્દ્રીય દવા સંગ્રહ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ)ની મંજૂરી માંગી છે. સિપલાએ સોમવારે અમેરિકી ફાર્મા કંપની તરફથી આ રસીની આયાત અને વિતરણનો અધિકાર આપવા માટે ઔષધિ નિયામકને વિનંતિ કરી હતી.