
તાજેતરમાં આંચકો આપતી માહિતી જાણવા મળી હતી.નેશનલ સર્વે ઓફિસ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં બેરોજગારીનો દર 2017-18ના વર્ષમાં 6.1 ટકા જેટલો નોંધાયાો હતો. આ બેરોજગારી દર છેલ્લા 45 વરસની ટકાવારીમાં સૌથી વધારે છે. 1972- 73 બાદ આ સૌથી ઊંચો બેકારીનો દર છે. દેશનું આર્થિકતંત્ર વાર્ષિક સાત ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે, પણ એટલા પ્રમાણમાં નોકરીઓ ઊભી નથી કરી શકાઈ. દેશમાં દર વરસે લાખો યુવાનો નોકરીની માટે વલખા મારે છે, પણ એમાંથી મોટા ભાગનાને નોકરી મળતી નથી. યુવાવર્ગ બેકારી – બેરોજગારીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મોદી સરકાર એ બાબત કશી નક્કર કામગીરી કરી શકી નથી. વિકાસના અનેક આયોજનો કરાય, જાતજાતની યોજનાઓ તેમજ ઉત્પાદન એકમો સ્થપાય, આમ છતાં દેશના શિક્ષિત- અશિક્ષિત યુવાનોને સરકાર નોકરી ઉપલબ્ધ કરાવી શકી નથી.