
વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ગ્રુપ સૂર ઔર સપ્તક દ્વારા ભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે ભંડોળ એકઠું કરવા માટે ઓરેગોનના પોર્ટલેન્ડમાં 24મી ફેબ્રુઆરીએ બોલીવુડ સ્ટાઇલ વાર્ષિક ફંડરેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાની સ્થાપના 2012માં કરાઈ હતી અને તેનો પ્રથમ કાર્યક્રમ 2013માં યોજાયો હતો, જેમાં 6500 ડોલરનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. આ પછી 2017માં યોજાયેલા કાર્યક્રમમાં 43 હજાર ડોલરથી વધુ એકઠા કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ લગભગ 69 હજાર બાળકોની આંખની તપાસ માટે થયો હતો.
ગ્રુપે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારના બોલીવુડના ડાન્સ અને ગીતોના કાર્યક્રમનું આયોજન કરવાથી અવેસનેસ ઊભી કરવામાં મદદરૂપ બને છે, જેના થકી ઉમદા કારણ માટે ભંડોળ એકઠું કરવામાં આવે છે. 24મી ફેબ્રુઆરીએ આયોજિત ફંડરેઇઝિંગ કાર્યક્રમ ઓરેગોનમાં હિલ્સબોરોમાં સનરાઇઝ ચર્ચમાં યોજાશે. દુનિયામાં કુલ 1.5 મિલિયન પ્રજ્ઞાચક્ષુ બાળકોમાંથી ભારતમાં લગભગ ચાર લાખ પ્રજ્ઞાચક્ષુ બાળકો છે. 75 ટકા મૂકબધિરતા નિવારી શકાય છે, જ્યારે દુનિયામાં લગભગ 217 મિલિયન મૂકબધિર અને 36 મિલિયન પ્રજ્ઞાચક્ષુ નાગરિકો છે.
બાળકોને દષ્ટિ પ્રદાન કરવા માટે, તેમને શિક્ષણ, પારિવારિક જીવન આપવા માટેના પ્રયાસોના ભાગરૂપે ભારતમાં ગ્રામીણ વિસ્તારનાં બાળકો માટે સૂર ઔર સપ્તક સંસ્થા પ્રયત્નશીલ છે.
આ સંસ્થાએ ભંડોળ વહેંચવા માધ્યમ તરીકે સેવા ફાઉન્ડેશનની પસંદગી કરી હતી, કારણ કે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મૂકબધિરતા અને અંધાપો નિવારવા સક્રિયપણે કાર્યરત છે.