ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૫ના મોત, ૭૭૩ કેસ નવા નોંધાયા

 

નવી દિલ્હીઃ દેશમાં બુધવારના રોજ કોરોના વાઇરસની લપેટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા ૫,૧૯૪ સુધી પહોંચી ગઈ છે અને આ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો ૧૪૯ સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના કારણે જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમની કુલ સંખ્યા ૪,૬૪૩ છે. ૪૦૧ લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયા છે. સવારે નવ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે મંગળવારના રોજ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૫ લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી ૧૬ લોકોના મોત મહારાષ્ટ્રમાં, તેમજ દિલ્હી, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને તમિલનાડુમાં બે-બે વ્યક્તિઓના મોત અને આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

દેશમાં કોરોનાગ્રસ્તોનો આંકડો સતત વધી રહ્યો છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સામે લડાઈ કરવા માટે પોતાની કમર કસી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. અહીં કોરોનાના કારણે દેશમાં સૌથી વધારે ૪૮ લોકોના મોત નિપજ્યા છે. સરકારી આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં ૪,૭૦૦થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. આ જીવલેણ વાઇરસે ૧૨૪ લોકોનો ભોગ લઈ લીધો છે.

બિહારમાં મંગળવારના રોજ છ લોકો કોરોના વાઇરસની લપેટમાં આવવાની સાથે જ બિહારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૩૮ સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે આ બીમારીમાંથી સ્વસ્થ થયેલા ૧૨ લોકોને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી છે. બિહાર સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારના જણાવ્યા અનુસાર સીવાનમાં પશ્ચિમ એશિયાના પ્રવાસ પરથી પરત ફરેલા એક કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવવાથી તેમના પરિવારની ત્રણ મહિલાઓ તથા એક પુરુષ સંક્રમિત મળી આવ્યા હતા. આ ઉપરાંત બેગૂસરાયમાં ૧૫ અને ૧૬ વર્ષીય બે યુવકો કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યા છે. બિહારમાં રવિવાર અને સોમવારના રોજ કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here