ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ પાર થઈ

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૩૭,૭૨૪ નવા કેસ નોંધાયા છે અને ૬૪૮ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે ભારતમાં કોરોના કેસ ૧૨,૧૬,૧૭૩ લાખને પાર કરી ગયા છે. તેમાંથી ૪,૧૭,૩૭૭ સક્રિય કેસ છે અને ૭,૬૮,૯૨૬ લોકો ચેપ મુક્ત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૨૯,૪૬૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે દિલ્હીમાં હવે દર મહિને સીરો સર્વે કરાશે. મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે આ સર્વે કરાશે. વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેટમાં ઘટાડો આવ્યો છે પણ સીરો સર્વે પ્રમાણે રાજધાનીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ આ બિમારીથી પીડિત છે.

કેન્દ્ર સરકારે દેશના ૧૧ સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં સીરો સર્વે કર્યો છે. જેનુ પરિણામ બતાવે છે કે, ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ લગભગ ૪૯ ટકા લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં થયેલા સીરો સર્વેનુ પરિણામ કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કર્યુ છે. જેમાં જાણવા મળ્યું કે ૨૩.૪૮ ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રેન્ડમ સેમ્પલિંગના આધાર પર સર્વે કરાયો હતો. અમદાવાદમાં ૪૯૬ ટેસ્ટ થયા જેમાં ૪૮.૯૯ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યું છે. મુંબઈમાં ૪૯૫ ટેસ્ટ થયા છે. જેમાં ૩૬.૫૬ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. આગ્રામાં ૫૦૦ ટેસ્ટ થયા જેમાં ૨૨.૮૦ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. પૂણેમાં ૫૦૪ ટેસ્ટ થયા જેમાથી ૧૯.૮૪ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા.

દિલ્હી સિવાય કેન્દ્ર સરકારે દેશના ૧૧ શહેરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો છે. આ તે શહેરો છે જ્યાં કોરોનાના સંક્રમણના મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. સર્વેનું પરિણામ બતાવે છે કે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમદાવાદ પછી મુંબઈ અને આગ્રાના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૭૨૪ કેસ સામે આવ્યા છે. સાથે જ ૬૪૮ લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧,૯૨,૯૧૫ થઈ ગઈ છે. જેમાંથી ૪,૧૧,૧૩૩ એક્ટિવ કેસ છે. સાથે જ ૭,૫૩,૫૦૦ લોકો સાજા થઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી ૨૮,૭૩૨ લોકોનાં મોત થયા છે.