ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 10 લાખની થઈ ગઈ, ફકત 3 દિવસમાં જ દેશમાં નવા કુલ એક લાખ કેસ નોંધાયા

 

     દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 25 હજારથી વધુ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ ઝમાવ્યું હતું. આશરે 6 લાખ, 16 હજારથી વધુ લોકો સાજા પણ થયાં છે. જયારે હાલમાં 3 લાખ, 34 હજારથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોવાથી મેધાલય સરકારે 24 થી 31 જુલાઈ સુધી રાજ્યની સીમાઓ સિલ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નહિ જઈ શકે અને બહારની કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં નહિ પ્રવેશી શકે. ફકત ઈમરજન્સી વાહનોની અવર-જવર માટે પરવાનગી મળશે. કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 હજાર જેટલી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ રાજ્યમાં 900થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કર્ણાટકના આરોગ્યપ્રધાન બી. શ્રીરામલુએના જણાવ્યા અનુસાર, કોરોનાના વાયરસને અટકાવવો કોઈના હાથની વાત નથી. આ વાયરસ કોઈને છોડતો નથી. આગામી દિવસોમાં કોરોનાના કેસ વધવાની સંભાવના છે. કર્ણાટક રાજ્ય દેશનું ચોથું સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય બની ગયું છે. COVID19INDIA.ORGવેબસાઈટ અનુસાર, બુધવારે 32 હજાર, 607 નવા કેસ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસો.ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના ને કારણે 99 ડોકટરોનાં મૃત્યુ થયાં હતા. કુલ 1302 ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા હતા. ડોકટરોને સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી હતી.