ભારતમાં કોરોનાના એક લાખથી વધુ નવા દદીૅઓઃ  લોકડાઉનની સંભાવના

 

 

દિલ્હીઃ આવનારો એક મહિનો કટોકટીનો છે તેવી સરકારની ચેતવણી વચ્ચે ચિંતામાં વધારો કરતાં બુધવારે દેશમાં કોરોના સંકટ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો વિક્રમ તોડતાં ૧.૧૫ લાખ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર એક લાખથી વધુ નવા કેસ બુધવારે આવ્યા છે. ભારતના વિવિધ ભાગોમાં ૧,૧૫,૭૩૬ નવા કેસ નોંધાતાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા ૧.૨૮ કરોડને આંબી ૧,૨૮,૧,૭૮૫ પર પહોંચી ગઇ છે. દેશમાં બુધવારે આવેલા નવા કેસમાંથી અડધોઅડધ કરતાં વધુ ૫૯,૯૦૭ નવા કેસ એકલાં મહારાષ્ટ્રમાં આવ્યા છે, જે રાજ્યમાં સર્વાધિક સંખ્યા છે. રાજ્યમાં કુલ ૩૧,૭૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. વધુ ૩૨૨ દર્દીનાં મોત સાથે મહારાષ્ટ્રમાં મરણાંક ૫૬,૬૫૨ પર પહોંચી ગયો છે. દેશમાં ૨૪ કલાક દરમ્યાન વધુ ૬૩૦ દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ ૧,૬૬,૧૭૭ દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. નવા કેસો અને સક્રિય કેસોમાં એક મહિના કરતાં વધુ સમયથી લગાતાર ઉછાળા વચ્ચે પણ મૃત્યુદર ૫૫,૨૫૦ સક્રિય કેસોનો ઉછાળો આવતાં ૭ એપ્રિલે ૮,૪૩,૪૭૩ સંક્રમિતો સાવાર હેઠળ છે. સતત વધારાના પગલે કુલ્લ સંક્રમિતોની સંખ્યાની તુલનાએ સક્રિય કેસોનું પ્રમાણ વધતું રહીને ૬.૫૯ ટકા થઇ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૯,૮૫૬ સંક્રમિતો કાતિલ વાઇરસ સામે જીવનનો જંગ જીતી જતાં ૧,૧૭,૯૨,૧૩૫ દર્દીઓ સંક્રમણના સકંજામાંથી છૂટકારો મેળવી ચૂક્યા છે. દેશભરમાં મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં જેટ ગતિએ વકરી રહેલા સંક્રમણના કારણે સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ ઘટીને ૯૨.૧૧ ટકા થઇ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) તરફથી મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંક ૨૫ કરોડને પાર કરી ગયો છે. 

રાયપુરમાં પૂર્ણ લોકડાઉનઃ

પંજાબમાં રાત્રિ કરફ્યૂ ઃ 

દેશભરમાં કોરોનાવાઇરસ ડરામણી રીતે વધી રહ્યો છે ત્યારે તેને ફેલાતો રોકવા રાજ્યો પરિસ્થિતિ અનુસાર પગલાં લઈ રહ્યાં છે. ગુજરાત અને દિલ્હી સહિત છ રાજ્યના અનેક શહેરોમાં રાત્રિ કરફ્યૂ લદાઈ ચૂક્યો છે ત્યારે બુધવારે પંજાબે સંપૂર્ણ રાજ્યમાં રાત્રિ કરફ્યૂ લાદવાની, ચંદીગઢમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. છત્તીસગઢના રાયપુરમાં પૂર્ણ લોકડાઉન લદાયું છે જ્યારે કર્ણાટકના બેંગ્લોરમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે. છત્તીસગઢમાં કોરનાથી સતત બદતર થઈ રહેલી સ્થિતિને ધ્યાને  લેતાં રાયપુરમાં ૯થી ૧૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાયપુર કલેક્ટર એસ. ભારતીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાને લેતાં રાયપુર જિલ્લાને ૯ એપ્રિલની સાંજના ૬ વાગ્યાથી ૧૯ એપ્રિલના સવારે છ વાગ્યા સુધી કન્ટેઈન્મેન્ટ ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે.

રાજ્યના દુર્ગ જિલ્લામાં પણ મંગળવારથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. દરમ્યાન, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરીંદર સિંહે એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સમગ્ર રાજ્યમાં ૩૦મી એપ્રિલ સુધી રાત્રિના ૯થી પરોઢના પાંચ વાગ્યા દરમ્યાન કરફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે બીજી સૂચના ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા પર રોક લગાવી છે. પરિસ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડયે નવા આદેશ કરવામાં આવશે. 

દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂરો

ભારત ફરી એક વખત ગયા વર્ષની માફક કોરોના વાઇરસ સંકટના એ જ સમયમાં ફરી પ્રવેશતું જણાઈ રહ્યું છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ડર વ્યાપી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જઈ રહ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા પ્રતિબંધો વચ્ચે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દિલ્હી, પુણે સહિત અન્ય વિસ્તારના પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા લાગ્યા છે. 

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહ્યા છે. બિહારના કેટલાક મજૂરોએ જણાવ્યું કે, પાછલી વખતે લોકડાઉનમાં તેઓ દિલ્હીમાં ફસાઈ ગયા હતા પરંતુ આ વખતે તેમ ન બને તે માટે તેઓ પહેલેથી જ પોતાના ઘરે જઈ રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. તે સિવાય પણ અન્ય કેટલાય પ્રતિબંધો મુકવામાં આવેલા છે. તેમ છતા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી પ્રવાસી મજૂરોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. 

દિલ્હીથી દૂર મહારાષ્ટ્રના પુણેમાં પણ આવી જ સ્થિતિ છે. પુણેના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ, શહેર તરફ જઈ રહ્યા છે. રેલવેના કહેવા પ્રમાણે ભારે ભીડ હોવા છતા તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કામ કરી રહ્યા છે અને નિયમોનું પાલન થઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તો વીકેન્ડ લોકડાઉન પણ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રાયપુરમાં તો સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી જેથી લોકોને ફરી લોકડાઉનનો ભય લાગી રહ્યો છે.