ભારતમાં કોરોનાથી ૧૫નાં મોત, ૬૫૦ને ચેપ:  ૪૩ લોકો સાજા થયા

 

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, આ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. બુધવારે જ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૬૫૦ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે તામિલનાડુમાં પહેલું મોત નિપજ્યું છે, જ્યારે ગુજરાતમાં વધુ ૧ મોત થતાં દેશનો મૃત્યુઆંક ૧૫ સુધી પહોંચી ગયો છે. વાઇરસની સૌથી વધુ અસર છે તે મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને હવે ૧૨૨ પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ ૪૩ લોકો સાજા થઇને ઘરે પરત પણ ફર્યા છે. કેન્દ્ર સરકારે ૮૦ કરોડ લોકોને બે રૂપિયા કિલો ઘઉ અને ત્રણ રૂપિયામાં ચોખા આપવાનો નિર્ણય લીધો છે. 

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારો આકરા પગલા લેવા લાગી છે, ઉત્તર પ્રદેશમાં પાન મસાલાના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શિયા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીની તબિયત લથડતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી તરફ એવા અહેવાલો છે કે ચીન, અફઘાનિસ્તાનના ૧૧ નાગરિકો રાંચીમાં આવેલી એક મસ્જિદમાં છુપાયા હતા જેની તપાસ માટે દરેકના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને કોરોના વાઇરસ તેમનામાં છે કે નહિ તેની ચકાસણી ચાલી રહી છે. દેશમાં હાલ ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું જેને પગલે કોરોનાની સાથે દેશ હાલ આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યો છે. 

આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ૮૦ કરોડ જેટલા બીપીએલ લોકોને બે રૂપિયે કિલો ઘઉ અને ત્રણ રૂપિયે પ્રતિ કિલો ચોખા આપવાની જાહેરાત કરી છે.  જોકે આ પુરવઠાના વિતરણને લઇને કોઇ વ્યવસ્થા ન હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે. હાલ રાજ્યોમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

હિમાચલ પ્રદેશે અહીં આવેલી એનઆઇટીની આશરે ૧૦ હોસ્ટેલના બે હજાર જેટલા રૂમને હોસ્પિટલમાં ફેરવી નાખ્યા છે, આ હોસ્ટેલોનો ઉપયોગ આઇસોલેશન સેન્ટર તરીકે કરવામાં આવશે.  કોલકાતામાં આવેલી ૨૨૦૦ બેડ વાળી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધુ છે જ્યારે જે લોકો સાજા થઇ જાય છે તેમને રવાના કરાયા છે. આ હોસ્પિટલને પણ આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નાખવામાં આવી છે. બીજી તરફ પૂણેમાં એક પ્રેરણાદયક કિસ્સો સામે આવ્યો હતો, અહીં એક યુગલને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, તેઓ સાજા થઇને જ્યારે ઘરે પહોંચ્યા હતા ત્યારે પુરી સોસાયટીએ તેનું સ્વાગત કર્યું હતું.  બીજી તરફ દેશમાં અર્ધસૈન્ય દળની જે ૩૨ હોસ્પિટલો આવેલી છે તેને સરકારે પોતાના હસ્તક લઇ લીધી છે અને તેને આઇસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં અને તામિલનાડુમાં પહેલું મોત થયું છે. મધ્યપ્રદેશમાં એક મહિલાએ કોરોનાની તપાસ કરાવી તે દિવસે જ તેનું મોત નિપજ્યું હતું. 

આ હોસ્પિટલોમાં આશરે ૧૯૦૦ પથારીની વ્યવસ્થા છે.  આ હોસ્પિટલોમાં હવે કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરવામાં આવશે અને આઇસોલેશનમાં પણ રાખવામાં આવશે. આ હોસ્પિટલો નોઇડા, હૈદરાબાદ, ગુવાહાટી, જમ્મુ, ગ્વાલિયર, દિમપુર, ઇમ્ફાલ, નાગપુર, સિલચાર, ભોપાલ, અવાદી, જોધપુર, કોલકાતા, પૂણે, બેંગાલુરુ અને અન્ય શહેરોમાં આવેલી છે. દિલ્હીના ચાવલા વિસ્તારમાં આશરે એક હજાર લોકોને સારવાર આપી શકાય તે માટે એક હજાર બેડ વાળી આઇટીબીપીની હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવારમાં ફેરવી નખાઇ છે. 

વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો જે મુજબ એક વ્યક્તિને મહિનામાં કુલ સાત કિલો રાશન અપાશે અને તેમાં બે રૂપિયે કિલો ઘઉ અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવામાં આવશે. સાથે જ ત્રણ મહિનાનું એડવાન્સમાં રાશન પણ આપવામાં આવશે. સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનોને ખુલી રાખવામાં આવશે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બિમારીનો એક જ ઉપાય છે અને તે છે ઘરોમાં બેઠા રહેવું. જોકે હાલ સરકાર ૮૦ કરોડ લોકોને અનાજનું વિતરણ કરશે કેવી રીતે તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે કેમ કે અનેક રાશનની દુકાનો મોટા ભાગના રાજ્યોમાં ખુલી નથી કે ખોલવામાં નથી આવી રહી.