ભારતમાં ઓમિક્રોન વકરે છે; રાજ્યોને પગલાં લેવાની છૂટ

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઓમિક્રોન બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ કેસ બમણાં થઈ ગયા છે. બુધવારે છેલ્લી સ્થિતિએ કેરળમાં વધુ ૯ અને જયપુરમાં ૪, આંધ્રમાં ૧ સાથે દેશમાં ૧પ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ રર૯ને આંબી ગયા હતા. સ્થિતિની ગંભીરતા પારખી કેન્દ્ર સરકારે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી પગલાં લેવા છુટ્ટો દોર આપી દીધો છે. 

વડા પ્રધાન મોદી ગુરુવારે સ્થિતિની સમીક્ષા કરવાના છે તેવા અહેવાલ છે. ત્યાર બાદ વધુ સઘન પગલાં જાહેર કરવામાં આવી શકે છે. ભારતમાં બીજી ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો અને ર૦ દિવસમાં જ કેસ ર૦૦ને પાર થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ૧.પ થી ૩ દિવસમાં જ બમણાં થઈ રહ્યા છે. દિલ્હીમાં ન્યૂ યર અને ક્રિસમસના જશ્ન તથા તમામ પ્રકારની ઇવેન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. 

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ગુરુવારે તાકીદની બેઠક બોલાવી છે. દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર રોક લગાવાઈ છે તો બીજી તરફ પંજાબ સરકારે એવો નિર્ણય લીધો છે કે કોરોના સર્ટિફિકેટ નહીં હોય તો સરકારી કર્મચારીઓને વેતન મળશે નહીં. હરિયાણામાં પણ વેક્સિન નહીં લગાવી હોય તો જાહેર સ્થળોએ પ્રવેશ નહીં મળે. 

ઉલ્લેખનીય છે કે, સરકારે રાજ્યોને પોતાની રીતે નિયંત્રણોના નિર્ણય લેવાની છૂટ આપી છે અને જરૂર પડયે રાત્રિ ર્ક્ફ્યુ લગાવવા સૂચના આપી છે. દેશમાં ઓમિક્રોન જે ઝડપે ફેલાઈ રહ્યો છે તેનાથી સરકાર અને નિષ્ણાતો ચિંતિત છે. આટલી ઝડપે કેસ વધતા રહ્યા તો દેશ ફરી લોકડાઉનને આરે આવી જાય તેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી નિષ્ણાતો આપે છે. 

દક્ષિણ આફ્રિકામાં ઉદ્ભવેલા કોરોના ઓમિક્રોન વેરિયન્ટે ભારતમાં પગપેસારો કર્યા બાદ તીવ્ર ઝડપે ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ૬પ, દિલ્હીમાં પ૭, તેલંગાણામાં ર૪, કેરળમાં ર૪, રાજસ્થાનમાં રર, કર્ણાટકમાં ૧૯, ગુજરાતમાં ૧૪ અને કાશ્મીરમાં ૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય ઓરિસ્સા અને યુપીમાં બે-બે તથા આંધ્ર, ચંડીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને બંગાળમાં ઓમિક્રોનનો એક-એક કેસ સામે આવ્યો છે. કેન્દ્રએ ઓમિક્રોન અંગે નવી એડવાઇઝરી જાહેર કરી છે તેમ છતાં લોકો તેને હળવાશથી લઈ રહ્યા છે. 

કેન્દ્ર અનુસાર ઓમિક્રોન ડેલ્ટા કરતા ત્રણ ગણો સંક્રામક છે. છેલ્લા ૧૮ દિવસમાં જ કેસની સંખ્યા ૧૦૦ ગણી વધી છે. જોતજોતામાં અનેક રાજ્યોમાં ઓમિક્રોન ફેલાઈ ગયો છે અને તેને કાબૂ કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂરી તમામ પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે