ભારતમાં એક હજાર પુરુષ સામે ૧૦૨૦ મહિલા, બેંક ખાતું ધરાવતી મહિલાઓ ૨૫% વધી

 

નવી દિલ્હીઃ ભારત દેશમાં પહેલીવાર કુલ આબાદીમાં એક હજાર પુરુષો સામે મહિલાઓની સંખ્યા વધીને ૧૦૨૦ થઇ ગઇ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અર્થાત રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણના આંકડા અનુસાર ૨૦૧૫-૧૬માં આ પ્રમાણ એક હજાર પુરુષો સામે ૯૯૧ મહિલાઓનું હતું. ખાસ બાબત એ છે કે કુલ આબાદીમાં સ્ત્રી-પુરુષના સંખ્યાદરનું ચિત્ર શહેરો કરતાં ગામડાંમાં વધુ સારું છે.

ગામડાંઓમાં એક હજાર પુરુષની સામે ૧૦૩૭ મહિલા છે, જ્યારે શહેરી ભારતમાં એક હજાર પુરુષ સામે ૯૮૫ મહિલા છે. બીજી તરફ દેશમાં પહેલીવાર પ્રજનન દર ૨.૧થી નીચે આવી ગયો છે. ૨૦૧૫-૧૬માં ૨.૨ સામે આજે પ્રજનન દર બે થઇ ગયો છે. દેશમાં મહિલાઓની સંખ્યા ભલે વધી હોય પરંતુ આજેય સ્થિતિ સારી નથી. આજે પણ દેશમાં ૪૧ ટકા મહિલાઓ એવી છે જેમને ધો. ૧૦ પછી શિક્ષણ પ્રાપ્ત થતું નથી. પોતાનું બેંક ખાતું ધરવાતી મહિલાઓની સંખ્યામાં ૨૫ ટકા વધારો આવ્યો છે. અત્યારે ૭૮.૬ ટકા મહિલા પોતાના બેંક ખાતા ધરાવે છે. તો ૪૩.૩ ટકા મહિલાઓ પાસે પોતાનાં નામે કોઇ ને કોઇ સંપત્તિ છે.