ભારતનો સપાટો : પબજી સહિત ૧૧૮ ચાઈનીસ એપ પર પ્રતિબંધ

 

નવી દિલ્હીઃ સરકારે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ત્રીજી વખત ૧૧૮ ચાઇનીઝ મોબાઈલ એપ્સ પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે ભારતમાં પ્રતિબંધિત લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન પબજી સહિત ૧૧૮ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને સરકારે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. ચાઇનીઝ એપ્સ પર આ વખતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પબજી ઉપરાંત લિવિક, વીચેટ વર્ક અને વીચેટ રીડિંગ, એપલોક, કેરમ ફ્રેન્ડ્?સ જેવી મોબાઇલ એપ્લિકેશનો શામેલ છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઇટી એક્ટની કલમ ૬૯એ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને આ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ, સંરક્ષણ અને રાજ્યોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સામેની જોખમી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેને આ એપ્સ વિશે અનેક ફરિયાદો મળી હતી. અમને ઘણા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરની કેટલીક મોબાઇલ એપ્લિકેશનો વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે અને તેમને દેશની બહાર સ્થિત તેમના સર્વર્સ પર ગેરકાયદેસર રીતે પુરી પાડી રહી છે.

લોકપ્રિય ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ્લિકેશનો પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનના અંતમાં, ભારતે ચાઇનાથી ટિકટોક, હેલો સહિતની ૫૯ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈના અંતમાં વધુ ૪૭ ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ ચીનની ૨૨૪ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે