ભારતનો બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભવ્ય વિજયઃ 2-0થી આગળ

0
1019


હૈદરાબાદઃ ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજા સહિતના બોલરોના આક્રમક દેખાવ સામે વેસ્ટ ઇન્ડિઝનો શરમજનક ધબડકો થતાં ભારતે હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ ત્રીજા જ દિવસે 10 વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 56 રનના દેવા સાથે રમવા ઊતરેલા વિન્ડિઝની બીજી ઇનિંગ્સ માત્ર 127 રનમાં સમેટાઈ હતી. ત્યાર પછી ભારતે જીતવા માટે જરૂરી 72 રનના ટાર્ગેટને વિના વિકેટે પાર પાડતાં પ્રવાસી વિન્ડિઝનો બે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો.
ભારત તરફથી ઉમેશ યાદવે બીજી ઇનિંગ્સમાં ચાર અને ટેસ્ટમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે રવીન્દ્ર જાડેજાએ ત્રણ, આર. અશ્વિનને બે અને કુલદીપને એક વિકેટ મળી હતી.
રાજકોટમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારત ત્રીજા જ દિવસે ઇનિંગ્સ અને 272 રનથી જીત્યું હતુ, જે ભારતીય ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટા અંતરનો વિજય હતો. ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરી એક વખત ટેસ્ટ સદી ચૂક્યો હતો અને તે 92 રને આઉટ થયો હતો.
પ્રથમ ઇનિંગ્સના 56 રનના દેવા સાથે રમવા ઊતરેલા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. પ્રવાસી ટીમના બન્ને ઓપનરો બ્રાથવેઇટ અને પોવેલ ખાતું ખોલાવ્યા વિના જ પાછા ફર્યા હતા. ત્યાર પછી મિડલ ઓર્ડરે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. એમ્બ્રિસે 95 બોલમાં ચાર ચોગ્ગા સાથે 38 રન ફટકાર્યા હતા, જ્યારે શાઈ હોપના 28 અને હેતમાયેરના 17 રન હતા. જોકે તેઓ લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને તબક્કાવાર આઉટ થયા હતા. વિન્ડિઝે આખરી છ વિકેટ માત્ર 59 રનમાં ગુમાવી હતી. ઉમેશ યાદવે 45 રનમાં 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજાનો મેજિક સ્પેલ 11-5-12-3નો રહ્યો હતો. અશ્વિને બે અને કુલદીપે એક વિકેટ ઝડપી હતી. વિન્ડિઝ માત્ર 127 રનમાં જ ખખડી ગયું હતુ.
રાહુલ અને શોની જોડીએ વિના વિકેટે વિજયી લક્ષ્યને પાર પાડયું
વિન્ડિઝની બીજી ઇનિંગ્સ 127 રનમાં સમેટાઈ જતાં ભારતને જીતવા માટે માત્ર 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બનેલા લોકેશ રાહુલે આ તકને ઝડપી લેતાં 53 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 33 રન ફટકાર્યા હતા. જ્યારે પૃથ્વી શોએ પણ 45 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 33 રન કર્યા હતા. ભારતે માત્ર 16.1 ઓવરમાં જ વિના વિકેટે 75 રન કરતાં બીજી ટેસ્ટમાં 10 વિકેટથી વિજય મેળવ્યો હતો.
હૈદરાબાદના ઉપ્પલ ખાતેના ગ્રાઉન્ડ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં ત્રીજા દિવસે કુલ 16 વિકેટ પડી હતી અને 261 રન થયા હતા. ભારતે ગઈ કાલના 308/4ના સ્કોરથી આગળ રમતાં વધુ 59 રન કરતાં બાકીની છ વિકેટ ગુમાવી હતી. આ પછી વિન્ડિઝ 127 રનમાં ઓલઆઉટ થયું હતુ, જ્યારે ભારતે બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 75 રન કર્યા હતા.
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની હૈદરાબાદ ટેસ્ટમાં શાનદાર દેખાવ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં છ અને બીજીઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ટેસ્ટમાં 10 વિકેટ પૂર્ણ કરી હતી. ઉમેશે હૈદરાબાદ ટેસ્ટમાં કુલ 133 રન આપતાં 10 બેટ્સમેનનોને પેવેલિયન ભેગા કર્યા હતા. જે તેનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ છે. ઉમેશનું અગાઉને ટેસ્ટ મેચનું શ્રેષ્ઠ પર્ફોમન્સ વેસ્ટ ઈન્ડિઝ સામે વર્ષ 2011માં નોંધાયું હતુ. ત્યારે તેણે ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટ પૂરી કરવાની સાથે ઉમેશ યાદવે ભારતના લેજન્ડરી ફાસ્ટ બોલરો કપિલ દેવ અને જવાલગ શ્રીનાથની હરોળમાં સ્થાન મેળવી લીધું હતુ. ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં 10 કે વધુ વિકેટ ઝડપનારો ભારતનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. અગાઉ કપિલ દેવે બે વખત અને જવાગલ શ્રીનાથે એક વખત આવી સિદ્ધિ હાંસલ કરી છે.