ભારતને નુકસાન પહોંચાડનારને છોડીશું નહિઃ રાજનાથસિંહ

નવિ દીલ્હીઃ અમેરિકાની ધરતી પરથી ચીનને કડક સંદેશો આપતા ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતને નુકસાન પહોંચાડનારને ભારત છોડશે નહિ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે સતત ઉભરવાની સાથે આગળ ધપી રહ્યો છે. ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યું છે.

સાનફ્રાન્સિસ્કોમાં ભારતીય-અમેરિકી કોમ્યુનિટીને સંબોધિત કરતાં રક્ષા મંત્રીએ ચીન સાથે સરહદ પર ભારતીય સૈનિકો દ્વારા દેખાડવામાં આવેલી વીરતા અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું હું નિશ્ચિતપણે કહી શકું છું કે ચીનને એક સંદેશ ગયો છે કે જો ભારતને નુકસાન થયું તો ભારત કોઇને છોડશે નહિ. ભારતને જો કોઇ છેડશે તો ભારત તેને છોડશે નહિ.

રાજનાથે અમેરિકાને સંદેશ આપ્યો કે ભારત ઝીરો સમ ગેમની ડિપ્લોમેસી પર ભરોસો નથી કરતું. કોઇ પણ દેશ સાથે અમારા સંબંધો અન્ય દેશના નુકસાનના ભોગે હોઇ શકતા નથી. જો ભારતના એક દેશની સાથે સારા સંબંધ છે તો તેનો અર્થ એ નથી કે કોઇ અન્ય દેશ સાથે તેના સંબંધો ખરાબ થઇ જશે. યુક્રેન સંકટ પર ભારતની સ્થિતિ અને રાહત દરે રશિયા પાસેથી ઓઇલની ખરીદીના પોતાના નિર્ણય પર અમેરિકામાં વ્યાપેલી નારાજગી વચ્ચે તેમણે આ ટિપ્પણી કરી હતી. રાજનાથે કહ્યું કે, ભારતની છબિ બદલાઇ ગઇ છે. ભારતનું માન વધ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં દુનિયાની કોઇ તાકાત ભારતને દુનિયાની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનતા રોકી નહિ શકે. 

વધુમાં ભારતીય રક્ષામંત્રીએ ભારતીય-અમેરિકન લોકોના સમૂહને ભારતીય ઓળખ જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ભારતની બહાર રહેતા ભારતીય હંમેશા પોતાને ભારતીય ગણાવવામાં ગર્વ અનુભવે છે. ભારતીયો યુએસમાં નવી ઉંચાઇઓ સર કરી રહ્યા છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. સાથોસાથ સિદ્વિ મેળવનાર ભારતીય મૂળના લોકો પર દેશ ગર્વ અનુભવે છે તેમ પણ તેઓએ કહ્યું હતું.