ભારતને ત્રણ  પાડોશી દેશ તરફથી ખતરો :  ભારતની સીમાઓ પર સ્થિતિ ચિંતાજનક 

 

   હાલમાં પૂર્વ લડાખના વિસ્તારમાં ચીની સૈનિકો ભારતની સીમાઓનું ઉલ્લંઘન કરીને 10 કિમી. અંદર ઘુસી આવ્યા હતા. તેમણે ત્યાં તંબૂઓ બાંધી દીધા હતા. ડોકલામ વિવાદમાં જે રીતે હાલાત તંગદિલીભર્યા બન્યા હતા, તેવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી કેટલાક નિર્ણયો લીધા હતા. હવે ચીનની જોહુકમી સહન કરવા ભારત હરગિઝ તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે કશું જતું કરવા તૈયાર નથી. સીમા પર સૈનિકોને સાબદા રહેવાના અને બિનજરૂરી ઉશ્કેરણી ના કરવા જણાવ્યું હતું.

 પાકિસ્તાન તો લાંબા સમયથી સતત સરહદ પર યુધ્ધવિરામનો ભંગ કરતું રહે છે. પાકિસ્તાન દ્વારા છમકલાં થતા રહ્યા છે. લડાખના ગલવાન વિસ્તારમાં ભારત- ચીન વચ્ચેની તંગદિલી ચરમસીમાે પહોંચી છે. ચીને એની સરહદ પર 5,00)થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ભારત પણ પોતાનો સૈન્ય કાફલે વધારી રહ્યું છે. નાનકડું નેપાળ અત્યારે ચીનની સોડમાં ભરાયું છે. ભારતે લિપુલેખથી તિબેટના માનસરોવર સુધી રસ્તો- સડક બનાવ્યો છે જે સામે નેપાળ વાંધો ઊઠાવી રહ્યું છે. લિપુલેખ પોતાના દેશનો જ એક વિસ્તાર હોવાનો દાવો નેપાળ કરી રહ્યું છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે 8મી મેના દિવસે વિડિયો લિન્કથી 90 કિ. મી. લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું ત્યારથી જ  વિવાદ વકરી રહ્યો છે. ભારતની સેના સરહદ પર ચીની સૈનિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતની સેના ડ્રોનનો ઉપયોગ કરી રહી હોવાનું કહેવાય છે.