ભારતની શસ્ત્ર આયાતમાં ૩૩ ટકાનો જંગી ઘટાડોઃ સિપ્રીનો અહેવાલ

 

નવી દિલ્હીઃ ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧ થી ૧પ અને ૨૦૧૬ થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે એમ સ્ટોકહોમ સ્થિત ડિફેન્સ થિંક-થેંક સિપ્રીનો અહેવાલ જણાવે છે. આ અહેવાલ જણાવે છે કે ભારતીય શસ્ત્ર આયાતોમાં મોટો ઘટાડો તે દેશની ગુંચવાડાભરેલી ખરીદી પ્રક્રિયાઓ ઉપરાંત હાલમાં રશિયન શસ્ત્રો પરનો આધાર ઘટાડવાના તેના પ્રયાસોનું પરિણામ છે. છેલ્લા કેટલાક વર્ષમાં ભારતે આયાતી લશ્કરી પ્લેટફોર્મ્સ અને હાર્ડવેર પરનું અવલંબન ઘટાડવા માટે ઘર આંગણેના સંરક્ષણ ઉદ્યોગને વેગ આપવા અનેક પગલાં ભર્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇનિ્સ્ટટ્યુટ(સિપ્રી)નો અહેવાલ જણાવે છે કે ૨૦૧૧-૧૫ અને ૨૦૧૬-૨૦ દરમ્યાન ભારતની શસ્ત્ર આયાતો ૩૩ ટકા ઘટી ગઇ છે. આના કારણે રશિયાને એક સપ્લાયર તરીકે સૌથી વધુ અસર થઇ છે. ભારત રશિયન શસ્ત્રો પરનો આધાર ઘટાડવા માગે છે. જો કે આમ છતાં ભારત આગામી વર્ષોમાં અનેક સપ્લાયરો પાસેથી મોટા પાયે શસ્ત્રોની આયાત કરવા આયોજન કરી રહ્યું છે એમ આ અહેવાલ જણાવે છે.

ભારત સરકાર તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેનિ્દ્રત કરી રહ્યું છે અને તેણે ૨૦૨પ સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં રૂ. ૧.૭પ લાખ કરોડના ટર્ન ઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત મે મહિનામાં નાણા મંત્રી નિર્મલા સીતા રમણે ઘર આંગણે શસ્ત્ર ઉત્પાદનને વેગ આપવા અનેક સુધારા પગલાઓ રજૂ કર્યા હતા.ભારતે આયાતી શસ્ત્રો પરનો આધાર ઓછો કરીને સ્વદેશી શસ્ત્રો પોતાની સેનાઓ માટે વધુ ખરીદવાની નીતિ અપનાવતા સૌથી વધુ રશિયાની શસ્ત્ર નિકાસને થઇ છે એમ સિપ્રીના અહેવાલ પરથી જાણવા મળે છે. ૨૦૧૬થી ૨૦૨૦ દરમ્યાન રશિયાની શસ્ત્ર નિકાસમાં બાવીસ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને આમાંથી ૯૦ ટકા ઘટાડો તો ભારતે ઘટાડેલી શસ્ત્ર આયાતને કારણે જ નોંધાયો છે. જો કે રશિયાએ ચીન, અલ્જિરિયા અને ઇજિપ્તને આ સમયગાળા દરમ્યાન પોતાના શસ્ત્રોનું વેચાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે, પરંતુ તેમ છતાં ભારતની શસ્ત્ર આયાતમાં થયેલા ઘટાડાને કારણે પડેલી ઘટ પૂરી શકાઇ નથી એમ સિપ્રીના એક સંશોધકે જણાવ્યું હતું.