ભારતની રસી બાળકોને બચાવશે : હુ

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ખાસ કરીને બાળકોને સંક્રમિત કરશે તેવી અટકળો, ચર્ચા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે, ભારતમાં જ નિર્મિત ‘નેઝલ વેક્સિન’ એટલે કે, નાકથી અપાતી રસી બાળકોને  બચાવવામાં અકસીર સાબિત થશે. આમ પણ તજજ્ઞો એવું કહે છે કે, નાક મારફતે અપાતી કોરોનાની રસી ઈન્જેકશનથી અપાતી રસી કરતાં વધુ અસરકારક છે. એક મુલાકાતાં સ્વામીનાથને એવું સૂચન કર્યું હતું કે, અત્યારે શક્ય તેટલા વધુ શાળા શિક્ષકોને રસી લગાવવાની જરૂર છે. સામુદાયિક સંક્રમણનો ખતરો ઘટે અથવા સાવ રહે જ નહીં ત્યારથી જ બાળકોને શાળામાં મોકલવા જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું. ‘હુ’ના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમચેન્જર સાબિત થશે. ખાસ કરીને આ રસી નાના બાળકોને આપવી આસાન રહેશે અને સીધી નાકમાંથી જ અપાતી હોવાથી રેસ્પિરેટરી ટ્રેક એટલે કે, શ્વસનતંત્રના ભાગની રોગપ્રતિકારક શક્તિ વધારશે, તેવું સ્વામીનાથને જણાવ્યું હતું.