ભારતની માનવતા સામે આખરે પાક. ઝૂક્યું, કરી મોટી જાહેરાત

 

નવી દિલ્હીઃ ભારત અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા માટે ૫૦ હજાર ટન ઘઉ તેમને આપી રહ્યું છે, જેમાં પાકિસ્તાનના રસ્તેથી આ ઘઉંનો જથ્થો અફઘાનિસ્તાનમાં પહોચાડવામાં આવશે. ભારતમાંથી અફઘાનિસ્તાનમાં ઘઉં પહોચાડવાને લઈને પાકિસ્તાન દ્વારા રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. ભારતમાંથી ૫૦ હજાર ટન ઘઉં પાકિસ્તાનના રસ્તેથી અફઘાનિસ્તાનમાં પહોચાડવામાં આવશે. જેથી ત્યાંના લોકોને મોટી રાહત મળી રહેશે. આ નિર્ણય માનવીય અધિકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારત સરકાર આ પ્રક્રિયા જલ્દીથી પુરી કરીને અફઘાનિસ્તાનના લોકો સુધી ઘઉં પહોંચાડશે.

ઇમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, જે અફઘાની નાગરીકો ઈલાજ માટે ભારતમાં ગયા છે તેમને અફઘાનિસ્તાન જવા માટે મદદ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ફ્લાઈટો બંધ છે જેના કારણે ઘણા અફઘાની નાગરીકો હજુ પણ ભારતમાંજ છે. 

અગાઉ પાકિસ્તાનને કારણે ઘણા વર્ષોથી ભારતને અફઘાનિસ્તાનમાં ઘઉં પહોંચાડવા મુશ્કેલી પડતી હતી, પરંતુ પછી ચાબહાર પોર્ટની સ્થાપના થયા બાદ અફઘાનમાં ઘઉં મોકલવાનું સંભવ થયું હતું. હાલજ પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં અફઘાનિસ્તાનને મદદ કરવા માટે અન્ય દેશોને પણ  અપીલ કરી હતી.