ભારતની બોર્ડર પરથી ચીને ૫૦,૦૦૦માંથી ૯૦ ટકા સૈનિકોને બદલવા પડ્યા

 

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ પર સ્થિત હિમાલય પર તૈનાત ચીની સૈનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીની સૈનિકો માટે હિમાલયની ઠંડી સહન કરવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે એક જ વર્ષમાં ચીને તેના લગભગ તમામ સૈનિકોને બદલવા પડયા છે અને જૂના સૈનિકોની જગ્યાએ નવા સૈનિકો તૈનાત કર્યા છે.

એક સરકારી અધિકારીએ કહ્યું છે કે, ચીને ગત વર્ષે એલએસી લદ્દાખ ક્ષેત્રમાં આશરે ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા હતા. પરંતુ ચીની સૈનિકો ત્યાંના હવામાનનો સામનો કરવામાં અસમર્થ છે. જેના કારણે ચીને તેના ૯૦ ટકા સૈનિકોને બદલવા પડ્યા છે. સૂત્રએ જણાવ્યું છે કે, ચીને હવે નવા સૈન્ય તૈનાત કર્યા છે. જેમને નજીકના અન્ય વિસ્તારોમાંથી લાવવામાં આવી રહ્યા છે. ખરાબ હવામાનના કારણે ચીની સૈનિકોની હાલત કફોડી બની છે. ભારત પણ દર વર્ષે પોતાના સૈનિકોને બદલે છે. પરંતુ, આટલા મોટા પાયે નથી. ભારત લગભગ ૪૦થી ૫૦ ટકાના સૈનિકો બદલે છે.

આ અગાઉ સેટેલાઇટ ફોટા સામે આવ્યું હતું કે, ચીને ઘણા સંઘર્ષના સ્થળોથી પોતાના સૈનિકોને હટાવ્યા નહોતા. પરંતુ, ત્યાં કેટલીક પ્રવૃત્તિઓ જોવા મળી હતી અને કેટલીક જગ્યાએ કેટલાક બદલાવ પણ થયા હતા. ભારત અને ચીન ગલવાન વેલી અને અન્ય સ્થળોના તણાવને વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે લદાખ ક્ષેત્રમાં લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, ગયા વર્ષના જૂન મહિનમાં તો બંને દેશના સૈનિકો વચ્ચે છુટા હાથની લોહીયાળ લડાઇ થઇ હતી જેમાં બંને દેશોના ઘણા સૈનિકો માર્યા ગયા હતા.

આના પછી લશ્કરી અને રાજદ્વારી મંત્રણાના ઘણા રાઉન્ડ યોજાયા પછી બંને દેશો પોતાના સૈનિકો સંઘર્ષના વિસ્તારોમાંથી પાછા ખેંચવા તૈયાર થયા છે તેમ છતાં હજી મોટી સંખ્યામાં લદાખ સહિતના વિસ્તારોમાં સૈનિકોની હાજરી છે.