ભારતની આર્થિક રિકવરી પ્રોત્સાહક, છતાં સ્થિતિમાં સંપૂર્ણ સુધારો નથીઃ વર્લ્ડ બેન્ક

 

વોશિંગ્ટનઃ ભારતીય અર્થતંત્રમાં કોવિડ-૧૯ની મહામારી પછી નોંધપાત્ર પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો છે. વર્લ્ડ બેન્કે તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, સારી રિકવરી છતાં સ્થિતિમાં સંપૂર્ણ સુધારો થયો નથી. અમારા અંદાજ મુજબ ૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી વૃદ્ધિ ૭.૫ ટકાથી ૧૨.૫ ટકાની રેન્જમાં રહેશે. 

વર્લ્ડ બેન્કે તાજેતરના સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસમાં જણાવ્યું છે કે, કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ એ પહેલાં જ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ મંદ પડવાની શરૂઆત થઈ હતી. ૨૦૧૬-૧૭માં જીડીપી વૃદ્ધિ ૮.૩ ટકા થયા પછી ૨૦૧૯-૨૦માં આર્થિક વૃદ્ધિ દર ઘટીને ૪ ટકા થયો હતો. ધીમી આર્થિક વૃદ્ધિનું કારણ ખાનગી વપરાશના વૃદ્ધિદરમાં ઘટાડો અને નાણાકીય ક્ષેત્રને આંચકો કહી શકાય. 

અહેવાલમાં જણાવ્યા અનુસાર મહામારી અને પોલિસી અંગેની અનિશ્ચિતતાને કારણે ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં જીડીપી વૃદ્ધિ ૭.૫ ટકાથી ૧૨.૫ ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ (દક્ષિણ એશિયા) હેન્સ ટિમરે જણાવ્યું હતું કે, ભારતે એક વર્ષમાં મોટી રિકવરી દર્શાવી છે. એક વર્ષ પહેલાં દેશ કેટલી ઘેરી મંદીમાં સપડાયો હતો? આર્થિક પ્રવૃત્તિમાં ૩૦-૪૦ ટકા ઘટાડો, વેક્સિન અંગે ચોક્કસ માહિતીનો અભાવ, રોગ અંગેની ભારે અનિશ્ચિતતા જેવા પરિબળો સાથે અત્યારની સ્થિતિને સરખાવવામાં આવે તો ભારત પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવી રહ્યું છે. ઘણી આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થઈ છે, વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે અને વેક્સિનના ઉત્પાદનમાં ભારત અગ્રણી છે. જોકે, દેશમાં ફરી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર અને અર્થતંત્રના ક્ષેત્રે સ્થિતિ હજુ પડકારજનક છે. 

ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન આપવાનું કામ ઘણું મોટું છે. ટિમરે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં પ્રત્યાઘાતી ઉછાળા છતાં આર્થિક માપદંડો અંગે અનિશ્ચિતતા છે. હજુ બે વર્ષ સુધી ભારતની માથાદીઠ આવકમાં ઘટાડો થઈ શકે.