ભારતના વિકાસ માટે વેરા ચૂકવોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ જ્યારે અગાઉની સરકારો દેશની વેરા વ્યવસ્થાને સ્પર્શ કરતાં અચકાતી હતી, ત્યારે હાલના ભાજપની આગેવાની હેઠળના શાસને એને વધુ નાગરિકલક્ષી બનાવી છે, એમ કહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના લોકોને વિનંતી કરી હતી કે તેઓ ભારતના વિકાસ માટે તેમને ભરવાના થતા વેરા પ્રામાણિકપણે ભરે.

ટાઇમ્સ નાઉ સમિટને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ચિંતાની બાબત એ છે કે કેટલાક લોકો હંમેશાં વેરા ભરવાનું ટાળવા માટેના માર્ગો ખોળે છે, જ્યારે પ્રામાણિક લોકોને દંડ થાય છે. તમામ સરકારો વેરાપ્રણાલીને સ્પર્શ કરતાં અચકાતી હતી. અમે એને નાગરિક કેન્દ્ર બનાવી રહ્યા છીએ. ભારત એવા થોડા દેશોમાંનો એક બન્યો છે, જેની પાસે પારદર્શી ટેક્સપેયર ચાર્ટર છે, જે કરદાતાઓના અધિકારોની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે. હું તમને ખાતરી આપું છું કે વેરા હેરાનગતિ એ આપણા દેશમાં ભૂતકાળની વાત બની જશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે જ્યારે સંખ્યાબંધ લોકો વેરા ભરતા નથી અને એને ટાળવાના માર્ગો શોધે છે ત્યારે બોજ તેમના પર આવી પડે છે, જેઓ પ્રામાણિકપણે તેમના વેરા ભરે છે. વધુમાં, તેમણે કહ્યું હતું કે માનવામાં નહિ આવે એવી બાબત છે, પણ સાચી હકીકત છે કે દેશમાં ફક્ત ૨૨૦૦ લોકોએ જાહેર કર્યું છે કે તેઓ વર્ષે એક કરોડ રૂપિયા કમાય છે