ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પોસ્ટર આજે 7 જાન્યુઆરીના રિલિઝ થયું …

0
779

આજકાલ બાયોપિકનો  જમાનો છે. મેરી કોમ, મહેન્દ્રસિંહ ધોની , સંજૂ વગેરે ફિલ્મો ટિકિટબારી પર કમાણી કરી ચુકી છે. દર્શકોને પણ બાયોપિક જોવાની મજા આવે છે. હવે આ સપ્તાહમાં ભૂતપૂર્વ વડાપ્રધાન  મનમોહન સિંઘના જીવન પરથી બનેલી ધ એકસીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ રિલિઝ થઈ રહી છે જેમાં પીઢ અભિનેતા અનુપમ ખેરે મનમોહન સિંધની ભૂમિકા ભજવી છે.

 હવે 2019ની લોકસભાની ચૂંટણનો માહોલ જામી રહ્યો છે. રાત ઓછીને વેશ ઝાઝા -જેવો ઘાટ છે. તાજેતરમાં 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઘોર પરાજય થયો હતો. મોદીનો કરિશ્મા ઓસરી રહ્યાનો વરતારો રાજકીય પંડિતો કરી રહ્યા છે ત્યારે મોદીના નામ અને કામની જાદુઈ અસરથી લોકસભાની ચૂંટણી જીતવાનો  પ્રયાસ ભાજપ કરે તો એમાં કશું ખોટું નથી. નરેન્દ્ર મોદીની રાજકીય પ્રતિભા, એમનું ચારિત્ર્ય, એમની વ્યક્તિમત્તા- તેજ્જોવલ છે., નિષ્કલંક છે. એમની પ્રમાણિક છબી પણ એવીજ ચોખ્ખી ને ચમકતી રહી છે. એમના 4-5 વરસના શાસનકાળમાં કોઈ કૌભાંડ, કોઈ ભ્રષ્ટાચારના કારનામા કે કોઈ છળ- કપટ કે પ્રપંચની ઘટના બની નથી. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ અને પ્રતિષ્ઠા વધુ ઊંચા શિખરે બિરાજમાન થયા છે. નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષ. સંકટો અને પડકારોની એક કહાની છે. નીડરતા, કઠોર પરિશ્રમ, સાહસ, બહાદુરી, અડગ  નિર્ણયશકિત , અપાર દેશપ્રેમ અને સાદું ને સરળ જીવન એટલે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીના જીવનને આજના તરુણો- આજની યુવાન પેઢી જાણે, સમજે એ અતિ જરૂરી છે. બસ, એ જ આશયથી ભાજપ આ ફિલ્મ પ્રદર્શિત કરવા માગે છે. ભારતની 23 ભાષાઓમાં આ ફિલ્મ ડબ થવાની છે. નરેન્દ્ર મોદીની ભૂમિકા યુવાન અને પ્રતિભાશીલ કલાકાર વિવેક ઓબેરોય ભજવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહથી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. આ વરસના એપ્રિલ મહિનાથી ચૂંટણીનો પ્રારંભ થાય એપહેલાં આ ફિલ્મને રિલિઝ કરી દેવામાં આવશે એમ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.