ભારતના લોકો ઈઝરાયલ સાથે મૈત્રીનું મૂલ્ય સમજે છેઃ વડા પ્રધાન મોદી

 

ગ્લાસગોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતના લોકો ઈઝરાયલ સાથે મૈત્રીનું મૂલ્ય સારી રીતે સમજે છે. ગ્લાસગોમાં કોપ૨૬ જળવાયુ પરિવર્તન સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડા પ્રધાન મોદીએ ઈઝરાયલના વડા પ્રધાન નફતાલી બેન્નેટ સાથે મુલાકાત અંગે આ નિવેદન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે બંને દેશો સંયુક્ત રીતે સંબંધોને મજબૂત બનાવવા પ્રયાસ કરશે.

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વડા પ્રધાન સાથે એક ટૂંકી મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બંને નેતાઓ એકબીજાને ઉમળકાભેર મળતા હોવાનું જણાયું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે અમે દ્વીપક્ષીય જોડાણ વધુ મજબૂત કરવાની દિશામાં તેમજ ઉપગ્રહને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ ચાલુ રાખીશું.

ઈઝરાયલના વડા પ્રધાન બેન્નેટે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આખરે મળીને ખૂબજ આનંદ થયો. ગત મહિને વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ઈઝરાયલના વડા પ્રધાનને ભારત આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. સ્થાનિક મીડિયાના મતે બેન્નેટ આગામી વર્ષે ભારત મુલાકાતે આવે તેવી સંભાવના છે.