ભારતના રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ હટાવવાની માગણી કરતા કોંગ્રેસના સંસદ સભ્ય

1
918

કોંગ્રેસના રાજયસભાના સભ્ય રિપુણ બોરાએ આજે રાજ્યસભામાં વ્યક્તિગત સ્તર પર એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં તેમણે આપણા ભારતના રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ કાઢી નાખીને તેને બદલે ઉત્તર પૂર્વ ભારત શબ્દ મૂકવાની માગણી કરી હતી. વરસો અગાઉ રાષ્ટ્રગીતમાં સંશોધન કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો,

  કોંગ્રેસના રાજયસભાના સભ્ય શ્રી રિપુણ બોરાએ પોતાની માગણીના સમર્થનમાં એવું તથ્ય રજૂ કર્યું હતું કે, ભારતના રાષ્ટ્રગીતમાં જે સિંધ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે તે સિંધ પ્રાંત તો હવે પાકિસ્તાનનો ભૌગોલિક વિસ્તાર છે. એ હવે ભારતનો હિસ્સો નથી, જયારે પૂર્વોત્તર ભારત એ દેશનો મહત્વનો ગણાતો પ્રાંતીય ભૌગોલિક વિસ્તાર છે એટલે એનો ઉલ્લેખ રાષ્ટ્રગીતમાં થવો જોઈએ. સંસદસભ્ય રિપુણ બોરાએ એમના પ્રસ્તાવમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1950ના જાન્યુઆરી માસમાં યોજાયેલી બંધારણ સભામાં કહ્યું હતું કે, રાષ્ટ્રગીત જનમનગણમાં સામેલ કરાયેલા શબ્દો અને તેના લય- સંગીતમાં સરકાર પરિસ્થિતિ અનુસાર પરિવર્તન કરી શકે છે. બંધારણમાં સરકારને એ બાબતનો અધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે.

   પોતાના પ્રસ્તાવના સમર્થનમાં રિપુણ બોરાએ જણાવ્યું હતું કે, ઉત્તર- પૂર્વ વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે, પરંતુ કમનસીબે એનો આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જયારે સિંધ હવે પાકિસ્તાનનો ભાગ છે  એટલે એનો ઉલ્લેખ ભારતના રાષ્ટ્રગીતમાં ન થવો જોઈએ.