
ભારતના રમતવીર નીરજ ચોપરાએ ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવીને દેશને ગૌરવ પ્રદાન કર્યું હતું.નીરજ ચોપરાએ 88.06 મીટરના અંતરે ભાલો ફેંકીને સફળતા મેળવી હતી. અન્ય કોઈ પણ રમતવીર 83 મીટર સુધી પણ ભાલો ફેંકી શક્યો નહોતો. ગોલ્ડમેડલ જીત્યા બાદ મિડિયા સાથે વાતચીત કરતાં નીરજ ચોપરાએ પોતાની જીત સદગત નેતા અટલ બિહારી વાજપેયીને અર્પણ કરી હતી. તેમણે કહયું હતું કે, આ રમતોત્સવમાં સ્પર્ધા રસાકસીભરી હતી. પણ મેં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી. ભારત માટે ભાલા ફેંક હરીફાઈમાં ગોલ્ડમેડલ જીતવાનો મેં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો. એ માટે મેં ખાસ્સી મહેનત અને પ્રેકટિસ પણ કરી હતી. હું મારી આ જીત દેશના મહાન નેતા આદરણીય અટલ બિહારી વાજપેયીને અર્પણ કરી રહયો છું. સુવર્ણ ચંદ્રક ભારતને મળ્યો હતો , જયારે રજત અને કાંસ્ય ચંદ્રક અનુક્રમે ચીન અને પાકિસ્તાનને ફાળે ગયા હતા. નીરજ ચોપરા અગાઉ પણ કોમનવેલ્થ રમતોત્સવમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારતે અત્યાર સુધીમાં 18મા એશિયાડ રમતોત્સવમાં 8 સુવર્ણચંદ્રકો સહિત 41 મોડલ મેળવી લીધા છે. જોકે ચંદ્રકો જીતવાને મામલે ભારત હજી 9મા સ્થાન પર છે, જયારે સહુથી વધુ ચંદ્રકો ચીને જીત્યા છે.