ભારતના ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગઃ વિશ્વભરમાં ભારતનો જયજયકાર

આંધ્ર પ્રદેશઃ ચંદ્રયાન-૩ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકીને ઇતિહાસ રચ્યો છે. તેણે ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષાથી ૨૫ કિમીની યાત્રા ૨૦ મિનિટમાં પૂર્ણ કરી હતી. લેન્ડરને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યું.
૫.૩૦ વાગે પ્રારંભિક રફ લેન્ડિંગ ખૂબ જ સફળ રહ્યું હતું. આ પછી લેન્ડરે ૫.૪૪ વાગે વર્ટિકલ લેન્ડિંગ કર્યુ, ત્યારે ચંદ્રથી તેનું અંતર ૩ કિમી હતું. અંતે લેન્ડરે ૬.૦૪ મિનિટ પર ચંદ્ર પર પહેલું પગલું ભર્યુ. આ રીતે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ સાથે ભારત ચંદ્રના કોઇ પણ ભાગ પર યાન ઉતારનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.
ચંદ્ર પર પહોંચ્યા પછી ચંદ્રયાન-૩એ સંદેશ મોલ્કયો હું પોતાના લક્ષ્ય પર પહોંચી ગયો છું. હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઇ રહ્યાં છે. ધુળ સ્થિર થયા પછી તે બહાર આવશે. તે લગભગ ૧ કલાક ૫૦ મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે. ભારત પહેલા રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-૨૫ ઉતારવાનું હતું આ લેન્ડિંગ ૨૧ ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે તે ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.
ચંદ્રયાન-૩ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ૧૪ જુલાઇના રોજ સવારે ૩.૩૫ વાગે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને ૪૧ દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર ૩ લાખ ૮૪ હજાર કિમી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, હવે પછી ચંદ્ર સાથે જોડાયેલી વાતો બદલાઇ જશે, નવી પેઢી માટે કહેવતો બદલાઇ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ.આપણે કહેતા કે ચંદામામા બહોત દુર કે -ચંદામામા બસ એક ટૂર કે …વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઇને વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે,આ ક્ષણ – એ ભારતની તાકાત છે. આ ભારતમાં નવી ઉર્જા, નવી શ્રદ્ઘા, નવી ચેતનાની ક્ષણ છે. અમરત્વના સમયમાં અમૃત વરસ્યું, આપણે પૃથ્વી પર એક સંકલ્પ લીધો અને તેને ચંદ્ર પર સાકાર કર્યો. આપણે અવકાશમાં નવા ભારતની નવી ઉડાનના સાક્ષી છીએ. જયારે આપણી આંખોની સામે આવી ઘટના જોઇએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિતભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ ૧૪૦ કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. મોદીએ જાહેરાત કરતાં કહ્યુંું કે સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઇસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર ઇસરો સંશોધન કરશે. ભારત વારંવાર એ સાબિત કરી રહ્યું છે કે સ્કાય ઇઝ નોટ લિમિટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું ભારતીય વૈજ્ઞાનિકોએ ઇતિહાસ રચ્યો છે. તેમને અભિનંદન. ચંદ્રયાનની સફળતા માનવતા માટે એક મોટી ક્ષણ છે.
વડાપ્રધાન મોદીએ ઇસરોના વડાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સોમનાથ જી, તમારું નામ સોમનાથ છે અને સોમનાથ ચંદ્ર સાથે જોડાયેલું છે તેથી તમારા પરિવારના સભ્યો પણ ખૂબ ખુશ હશે. મારા તરફથી તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને દરેકને મારી શુભેચ્છા પાઠવું છુ. અને શકય તેટલી વહેલી તકે હું તમારા બધાને રૂબરૂમાં પણ અભિનંદન આપીશ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન