

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કમાં કોેલંબિયા યુનિવર્સિટીમાં સાતમી એપ્રિલ, શનિવારે આયોજિત 14મી વાર્ષિક ઇન્ડિયા બિઝનેસ કોન્ફરન્સમાં વેપારઉદ્યોગના હજારો ઉત્સાહી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ કોેન્ફરન્સમાં ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી ઉપસ્થિત રહ્યા હતા.
સાઉથ એશિયન બિઝનેસ એસોસિયેશન દ્વારા આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં ઘણા ભારતીય માંધાતાઓ અને ઉદ્યોગસાહસિકો હાજર રહ્યા હતા, જેમાં વેસ્ટર્ન યુનિયનના પ્રેસિડન્ટ-સીઈઓ-ડિરેક્ટર હિકમેટ ઇર્સેક, ભારતના ભૂતપૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદ, ભારતના ભૂતપૂર્વ કાયદા-ન્યાય-ઉદ્યોગમંત્રી સુબ્રમણ્યમ સ્વામીનો સમાવેશ થતો હતો.
કોન્ફરન્સમાં હિકમેટ ઇર્સેક અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ઝેલડેસ વચ્ચે યોજાયેલા સંવાદમાં ઇર્સેકે જણાવ્યું હતું કે વેસ્ટર્ન યુનિયન પાસે 200 દેશોમાં પોતાનો બિઝનેસ ચલાવવાનું લાઇસન્સ છે અને તે 50 મિલિયન ગ્રાહકો ધરાવે છે. તેઓ કુલ 150 બિલિયન ડોલર દર વર્ષે વિશ્વવ્યાપી ટ્રાન્સફર કરવા સક્ષમ છે, જે અંતર્ગત દર સેકન્ડે 31 ટ્રાન્ઝેક્શન થાય છે.
ઇર્સેકે જણાવ્યું હતું કે આ તમામ વર્ષો દરમિયાન ભારત અને અન્ય તમામ દેશોમાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે વિશ્વાસ એ કંપનીની શક્તિ છે. 50 ટકાથી વધુ લોકો, કે જેને વેસ્ટર્ન યુનિયન દ્વારા નાણાં મળે છે, તેઓ મહિલાઓ છે, મોટા ભાગની માતાઓ છે, જે પોતાનાં બાળકોના ભાવિ વિશે ચિંતિત હોય છે, આથી તેઓ પુરુષો કરતાં ખૂબ જ સાવધાનીથી નાણાંનો ખર્ચ કરે છે.
ડો. સુબ્રમણ્યમ સ્વામી અને સલમાન ખુરશીદે ભારતમાં આર્થિક વૃદ્ધિદર વિશે પ્રવચન આપ્યું હતું.
ખુરશીદે પોતાના પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત રોકાણ માટે અદ્ભુત દેશ છે, ભારત ઊભરતું અર્થતંત્ર છે અને ભારત પાસે ઉજ્જવળ ભવિષ્ય છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા પછી કેવી રીતે ભારતનું અર્થતંત્ર ફૂડ-હેલ્થ-હાઉસિંગ-એજ્યુકેશન જેવાં ક્ષેત્રોમાં વૃદ્ધિ પામ્યું છે તેના વિશે તેમણે વાતો કરી હતી.
ખુરશીદે જણાવ્યું હતું કે આપણા દેશમાં મહત્ત્વની સમસ્યા એ છે કે કેવી રીતે આપણે ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી અર્થતંત્ર વચ્ચે સંવાદિતા સાધી શકીએ. કેવી રીતે આપણે વેપારમાં બદલાવ લાવી શકીએ, કેવી રીતે આપણે ઉદ્યોગોને કૃષિમાં પરિવર્તિત કરી શકીએ. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારતમાં હજી પણ વિશાળ સંખ્યામાં નાગરિકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે, જેઓને આ ‘ન્યુ ઇન્ડિયા’નો હિસ્સો બનવાની કોઈ આશા નથી.
ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 26મી મે, 2014થી હોદ્દો સંભાળ્યો ત્યારથી ભારતના અર્થતંત્રના વિકાસ વિશે ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પ્રવચન આપ્યું હતું. 2018 કોલંબિયા બિઝનેસ સ્કૂલના વાર્ષિક અધિવેશનમાં ‘ભારતીય ઉદ્યોગગૃહો પર વર્તમાન આર્થિક નીતિની અસર’ વિશે ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પ્રવચન આપ્યું હતું.
સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ 33 વર્ષ પછી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો છે, તે ફક્ત આર્થિક દેખાવના કારણે નહિ, પરંતુ આપણે રાષ્ટ્રવાદી પરિબળોની એકતા માટે કરેલી અપીલના કારણે છે, (જેને આપણા વિવેચકો ‘હિન્દુત્વ’ તરીકે ઓળખે છે), આથી આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી શકીએ.
સ્વામીએ ડિમોનીટાઇઝેશન અને જીએસટી જેવા મુદ્દે પણ વાતો કરી હતી. સ્વામીએ કહ્યું હતું કે ભારતની યુવાપેઢી દેશનું ભાવિ છે અને તેઓ ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.
આ કોન્ફરન્સમાં અન્ય વક્તાઓએ પણ પ્રવચનો આપ્યાં હતાં, જેમાં કોગ્નિઝન્ટના સીઈઓ ફ્રાન્સિસ્કો ડિસોઝા, પ્રાઇવેટ ઇક્વિટી ટીપીજીનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર અંજલિ બંસલ, દાલમિયા ગ્રુપ હોલ્ડિંગ્સના ચેરમેન ગૌરવ દાલમિયા, એસ. ટી. લી પ્રોફેસર ઓફ બિઝનેસ શીના આયંગર, માયન્ત્રા અને જેબોન્ગના સીઈઓ અનંત નારાયણન, કારલી ગ્રુપના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શંકર નારાયણ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના યુએસ ઓપરેશન્સના કન્ટ્રી હેડ અશ્વિની તિવારી, ટેસ્ટી બાઇટ ઇટેબલ્સનાં કો-ફાઉન્ડર મીરા વાસુદેવન, નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પાનગરિયા, બ્લુમ વેન્ચર્સના કોફાઉન્ડર-મેનેજિંગ પાર્ટનર સંજય નાથ, લેબુઆ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સીઈઓ દીપક ઓહરી, ભૂતપૂર્વ વોરબર્ગ પિનકસ ક્ષિતિજ ભાટી, આઇડી ફ્રેશ ફૂડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને કોફાઉન્ડર મુસ્તફા પીસીનો સમાવેશ થતો હતો.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા)