ભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’


ભારતીય ફિલ્મઉદ્યોગ બોલીવુડમાં ઐતિહાસિક ઘટનાઓ ઉપર એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે ખરેખર ઇતિહાસની વાત કહેતી હોય. કેટલીક ફિલ્મો ભાગલા પર આધારિત બની છે તો કેટલીક ફિલ્મો જાતિવાદ વિશે પણ બનેલી છે. કેટલીક ફિલ્મો ‘26/1’ અથવા ‘બ્લેક ફ્રાઇડે’ સત્યઘટના પર આધારિત છે. આ ફિલ્મોની પરંપરા આગળ વધારે છે તાજેતરમાં રિલીઝ થયેલી ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ.’
ફિલ્મના નિર્માતા જોન અબ્રાહમ અને ડિરેક્ટર અભિષેક શર્મા છે. કલાકારોમાં જોન અબ્રાહમ, ડાયના પેન્ટી, બોમન ઈરાની છે.
ભારતના પરમાણુ વિસ્ફોટ બાબતમાં એક પછી એક ઘટનાક્રમને રિપોર્ટિંગના અંદાજમાં રજૂ કરનારી આ ફિલ્મ ખરેખર પ્રશંસનીય છે. આ ફિલ્મની ઘટનાઓમાં કેટલાંક કાલ્પનિક પાત્રોનો આધાર લેવામાં આવ્યો છે.
1974માં ભારતે પોતાનું સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું તેના પછી અમેરિકા તરફથી કેટલાક આર્થિક અને રાજકીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સોવિયેત યુનિયનના વિભાજન પછી ભારતને કોઈ મોટા દેશનો સાથ મળ્યો નહોતો. પાકિસ્તાન સાથે ચીન અને કેટલીક બાબતમાં અમેરિકા ભારતની સુરક્ષા બાબતમાં ચિંતાનો વિષય બનતો જતો હતો.
ભારત ફરીથી પરમાણુ પરીક્ષણ કરી શક્યું નહોતું, આથી સતત ગુપ્તચર વ્યવસ્થાઓની સહાય લેવામાં આવી હતી. અમેરિકી સેટેલાઇટ પોખરણ રેન્જ પર આકાશમાંથી નજર રાખતું હતું. આથી ભારત માટે પરમાણુ પરીક્ષણ કરવું અશક્ય હતું અને પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી પણ હતું! આ પરમાણુ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું? કેવી વિપરીત પરિસ્થિતિમાં દુનિયાભરની નજર રાખતા સેટેલાઇટની નજરથી બચીને પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું. આ વાર્તા બે કલાક અને આઠ મિનિટની આ ફિલ્મની છે.
અભિષેક શર્માએ આ જટિલ વિષયને આસાનીથી પડદા પર રજૂ કરવામાં સફળતા મેળવી છે. અભિનયમાં તમામ કલાકારોએ સારો પરફોર્મન્સ આપ્યો છે. આ ફિલ્મના નિર્માતા હોવા છતાં પણ જોન અબ્રાહમે આ ફિલ્મમાં હીરો બનવાનો પ્રયાસ કર્યો નથી. આ મોટી યોજના ટીમવર્કના કારણે છે. ફિલ્મમાં એક ટીમ સાથે કામ કરે છે.