ભારતના અગ્રણી આર્કિટેક્ટ, પદ્મ ભૂષણ ડો. બી. વી. દોશીનું અવસાન

 

અમદાવાદ: વિશ્ર્વ પ્રખ્યાત ભારતીય આર્કિટેક્ટ ડો. બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (બી. વી. દોશી)નું ૯૫ વર્ષની વયે અવસાન થયું છે. બીવી દોશીએ અમદાવાદ સ્થિત તેમના નિવાસ સ્થાન કમલા હાઉસમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ ભારતના આર્કીટેક્ચર જગતમાં શોકની લાગણી ફરીવળી છે. બપોરે તેમના નિવાસ સ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. 

સોશિયલ મીડિયા યુઝર્સ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, લોકો તેમને ભારતના મહાન આર્કિટેક્ટ તરીકે ગણાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. બી. વી. દોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બીવી દોશીએ ભારતની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઈમારતો ડીઝાઇન કરી છે. અમદવાદમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવદની ગુફા અંડરગ્રાઉન્ડ ગેલેરી, ટાગોર મેમોરિયલ હોલ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી અને પ્રેમાભાઈ હોલ તેમજ તેમના રહેઠાણ કમલા હાઉસ તેમણે ડીઝાઈન કર્યું છે. 

બેંગલુ‚ અને ઉદયપુરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હીમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી સહિત અનેક સ્થાપત્યો તેમેણે ડીઝાઈન કર્યા છે. 

આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને ૨૦૧૮માં પ્રિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ઇન્દોરમાં અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ માટે તેમની ડિઝાઇનને આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૨૨માં તેમને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સનો રોયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનવામાં આવ્યા છે