ભાદરવી પૂનમ પ્રસંગે અંબાજીમાં લાખો ભક્તોએ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો

 

અંબાજી: માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના છ દિવસીય મહામેળાના પાંચમા દિવસની અનંત ચૌદશે અંબાજીમાં શ્રધાનો સાગર ઉમટી પડ્યો હતો. અનંત ચૌદશના દિવસે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડતા મંદિરનો ગર્ભગૃહ માઇભક્તોના ગગનભેદી જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો.

અનેક માઈભક્તોએ હંસ પર સવાર માં જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો અને નવદુર્ગાને નવલા નોરતામા પધારવા ‚ડુ આમંત્રણ પાઠવ્યું હતું. દુરદુરથી આવેલા અનેક સંઘોએ લાવેલ લાલ ધજાઓ માતાજીના સુવર્ણ શિખર પર ચડાવવામાં આવી હતી.

સમગ્ર અંબાજી શહેર ‘બોલ માંડી અંબે જયજય અંબે’ના નાદથી ગુંજી રહ્યું હતું. ગુજરાતનું એક માત્ર સુવર્ણ મંદિર ધરાવતા આરાસુર ધામમામાં અંબાના જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે યોજાઈ રહ્યો છે. માં શક્તિની ભક્તિના અનેરા સંગમમાં માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો માંથી લાખો માઈભક્તો કઠીન પદયાત્રા કરી માં અંબાના ધામ આરાસુરમાં ઉમટી પડ્યા હતા. આથી અનંત ચૌદશે અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યું હતું. સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઇભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોકે ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં હોઈ અનંતચૌદશે અનેક ભક્તોએ આંખે પાટા બાંધીને તેમજ દંડવત પ્રણામ કરી માતાજીના ગર્ભ ગૃહમાં ‘જય અંબે’ના નાદ સાથે પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. અનેક સંઘો, માંડવીઓના માઇ ભક્તો દ્વારા માતાજીને નવરાત્રી માં પોતાની માંડવીઓ પર પધારવા માટેનું માં ને ‚ડું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરતથી પદયાત્રા કરીને આવેલ માઈભક્તે જણાવ્યું હતું કે, યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની શક્તિનો સંચાર થાય છે અને શરીરમાંથી થાક દૂર થવાની સાથે નવી સ્ફુર્તિનો સંચાર થઈ રહ્યો છે. અંબાજીમાં પાંચ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ભાદરવી પૂનમના છ દિવસીય મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો હતો. આ મેળામાં લાખો પદયાત્રીઓ તેમજ સેંકડો શ્રદ્ધાળુઓએ માતાજીના અવસરમાં ઉમટી પડીને જગદંબાના દર્શન કર્યા હતા. ૧૦ સપ્ટેબરના રોજ આ મહામેળાની પૂર્ણાહુતિ કરાઈ હતી. 

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોટાભાગના લોકો પગપાળા આવતા હોય છે. આ યાત્રીઓને પરત પોતાના ગામ જવા એસટી બસનો સહારો લેવો પડતો હોય છે. ભાદરવી પૂનમના મેળામા અંબાજીમાં ત્રણ જગ્યાએ એસટી સ્ટેન્ડ શ‚ કરાયા હતા. બસ મારફતે પરત ફરતા લોકોની બસો પકડવા માટે લાંબી કતારો જામેલી જોવા મળી હતી. મંદિર પરિસરમાં આવતા યાત્રિકોને મંદિર ટ્રસ્ટ તરફથી લીંબુ સરબત આપવામાં આવતો હતો. જેથી મંદિરમાં આવતા યાત્રિકોનો થાક દૂર થતો જોવા મળ્યો હતો. યાત્રિકોએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવ્સ્થાઓ માટે તેની સરાહના કરી હતી