ભાજપે પીડીપીને ટેકો પાછો ખેંચ્યોઃ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન

ભાજપે પીડીપી સાથેનું ગઠબંધન તોડ્યા પછી જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ) મંગળવારે પીડીપી સાથેના ગઠબંધનમાંથી ખસી જવાની જાહેરાત કરતા ભાજપના મહાસચિવ રામ માધવ સહિત અગ્રણી નેતાઓ. (ફોટોસૌજન્યઃ ઇન્ડિયન એક્સપ્રેસ)

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર સરકારના ત્રણ વર્ષના શાસનમાં રાજકીય મતભેદો અને સુરક્ષાની કથળેલી સ્થિતિ વચ્ચે ભાજપે મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીપીપી)ને આપેલું સમર્થન પાછું લઈ લેતાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ-પીડીપીનું ગઠબંધન તૂટી ગયું છે. બુધવારથી સત્તાવાર રીતે રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આથી સંપૂર્ણ સત્તા રાજ્યપાલ એન. એન. વોરાના હાથમાં આવી છે. એક દાયકામાં આ ચોથી વાર બન્યું છે, જેમાં રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગું કરાયું હોય. ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ જમ્મુ કાશમીરમાં તાત્કાલિક અસરથી રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી છે. 2008થી વોરાના કાર્યકાળમાં ચોથી વાર રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું છે.
દરમિયાન રાજ્યપાલ શાસન લાગુ થવાથી આતંકવિરોધી કામગીરીને કોઈ અસર નહિ થાય તેમ લશ્કરી વડા બિપિન રાવતે જણાવ્યું હતું. રાવતે કહ્યું કે લશ્કરી કામગીરીમાં કોઈ રાજકીય દખલગીરી નથી અને રમજાન પૂરતો એક માસ માટે યુદ્ધવિરામ આપવામાં આવ્યો હતો. રાવત તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાન ઔરંગઝેબના પરિવારજનોને પૂંચમાં મળ્યા હતા.
રાજ્યપાલ શાસન લાદવાની સાથે આતંકીઓના ખાતમા માટે ઓપરેશન ઓલઆઉટ પણ જારી કરવામાં આવ્યું છે.
આ અગાઉ મંગળવારે ભાજપે ત્રણ વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપ પ્રમુખ અમિત શાહે જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે ચર્ચા પછી આ નિર્ણય લીધો હતો. ભાજપના મહાસચિવ રામ માધવે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં પીડીપી સરકાર આતંકવાદ રોકવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી મહેબૂબા મુફતી કાશ્મીરની સ્થિતિને યોગ્ય રીતે સંભાળી શક્યાં નથી. ગઠબંધન તૂટી ગયા પછી મુખ્યમંત્રી મહેબૂબા મુફતી અને તેમના મંત્રીઓએ પોતાનાં રાજીનામાં રાજ્યપાલને સુપરત કર્યાં હતાં. ગઠબંધન તૂટ્યા પછી કોંગ્રેસે જાહેર કર્યું હતું કે તેમનો પીડીપી સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પીડીપીની 28 બેઠકો, ભાજપની 25, નેશનલ કોન્ફરન્સની 15, કોંગ્રેસની 12 બેઠકો છે.