
સાંસદ શત્રુધ્ન સિંહાએ નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલી દીર્ઘ મુલાકાતને પૂર્વયોજિત અને બનાવટી કહીને વખોડી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યું હતું કે, શું તમે રવીશકુમાર અને વિનોદ દુઆ જેવા પત્રકારોની સાથે વાત કરતા અસહજતાનો અનુભવ કરો છો ?શત્રુધ્ન સિંહાએ સતત એક પછી એક ટવીટ કરીને મોદીને અણીયાળા સવાલો પૂછ્યા હતા. શત્રુધ્ન સિંહાએ લખ્યું હતું કે, તમે સત્તા સંભાળી ત્યારથી આજ સુધીના સમયગાળામાં એકવાર પણ કેમ પત્રકાર પરિષદનું આયોજન નથી કર્યું ? દરેક વડાપ્રધાને પોતાના શાસનકાળમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તો તમે પત્રકારો સાથે વાત કેમ નથી કરી શકતા .. હું તમને કહેવા માગુ છું કે શું તમને એવું નથી લાગતું કે, તમારી એક સમર્થ અને સક્ષમ નેતા તરીકેની ઈમેજ સુધારવા માટે તમારે પત્રકારોના અણીદાર સવાલોના બેધડક જવાબો આપવા જોઈએ..મને લાગે છે કે આપ પત્રકરોના સવાલોનો સામનો કરવાથી ડરી રહ્યા છો. પરંતુ કમસે કમ યશવંત સિંહા જેવા દિગ્ગજ નેતા અને અરુણ સૌરી જેવા વિદ્વાન પત્રકારના સવાલોના જવાબ આપવાની હિંમત તો દેખાડો. જો કે તમારા ઈન્ટરવ્યૂમાં તમે બેહદ સંયમિત દેખાયા, પરંતુ આપ અગાઉ જેટલા આત્મ-વિશ્વાસભર્યા અને નીડર જણાતા હતા તેટલા આ વખતે ન લાગ્યા.