
થોડાક દિવસો અગાઉ ભાજપના પ્રથમ પંક્તિના નેતા અને કેબિનેટમંત્રી તેમજ યશસ્વી અને દીર્ધ રાજકીય કારકિર્દી ધરાવનારા લોકપ્રિય નેતા વિદેશમંત્રી સુષમા સ્વરાજે એલાન કર્યું હતું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેવાના નથી. ત્યારબાદ આ બીજા અગ્રણી નેતાએ ઘોષણા કરી હતી. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીજી સંનિષ્ઠ કાર્યકર છે તેમજ ઉત્કૃષ્ટ કક્ષાનાં વકતા છે. અસરકારક અને ધારદાર વકતવ્ય આપવા માટે તેઓ જાણીતા છે. તેમણે ઉપરોક્ત નિવેદન કરતાં કહ્યું હતું કે, હવે તેઓ બાકીના સમયકાળમાં અયોધ્યામાં રામ- મંદિરનું નિર્માણ તેમજ ગંગા નદીની સફાઈના મુદા્ઓ હાથ ધરીને તેના પર ત્વરિત કામગીરી હાથ ધરવા માગે છે. આથી તેઓ ચૂંટણી લડવા માગતા નથી તે પોતાનો બાકીનો સમય રામ- મંદિરની રચના અને ગંગા મૈયાની સ્વચ્છતાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. સંસદમાં ઉત્તરપ્રદેશના ઝાંસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં ઉમા ભારતીજી પ્રારંભથી જ રામ-મંદિરના નિર્માણ આંદાલનમાં સક્રિય રહ્યા છે. તેમની ઓળખ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. તેઓ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે. તેમણે ગત સપ્તાહે જ એવું નિવેદન કર્યું હતું કે, રામ- મંદિર પર કોઈનો એકાધિકાર નથી. તેમણે રામ- મંદિરના નિર્માણ કાર્ય માટે તમામં રાજકીય પક્ષોને એકત્રિત થવાનું આવાહ્ન કર્યું હતું. 2014માં જયારે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સ્વચ્છતાના માટે રચાયેલા વિશેષ મંત્ર્યાલયનો અખત્યાર ઉમા ભારતીજીને સોંપ્યો હતો