ભાજપના ‘રામ’ સામે મમતાના ‘શિવ’, મહાશિવરાત્રીએ ઉમેદવારી નોંધાવી સોફ્ટ હિંદુત્વ કાર્ડ રમશે

 

કોલકાતાઃ પ. બંગાળનું રાજકારણ ખૂબ જ રસપ્રદ વળાંકો લઈ રહ્યું છે. એક તરફ ભાજપે ચૂંટણીને પગલે હિંદુત્વ અને જય શ્રી રામના નારાને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. ત્યારે મમતા પણ હવે સોફ્ટ હિંદુત્વની તૈયારીમાં છે. ભાજપના રામના નારાના જવાબમાં મમતાએ ભગવાન શિવનું કાર્ડ ખોલ્યું છે. તેમણે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મહાશિવરાત્રીનો દિવસ પસંદ કર્યો છે. મેદિનીપુરની નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીએ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નંદીગ્રામ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે તેમણે ૧૧મી માર્ચનો દિવસ પસંદ કર્યો છે અને તે દિવસે મહાશિવરાત્રી પર્વ પણ છે. એક અહેવાલ પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે ઉમેદવારી નોંધાવીને મમતા બેનર્જી પોતે શિવભક્ત હોવાનો પુરાવો આપવા માંગે છે.