ભાજપના મોભી-ને મહારથી ગણાતા લાલકૃષ્ણ અડવાનીને ગાંધીનગર લોકસભાની ટિકિટ ના આપીને એમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું..

0
792
Reuters

એક જમાનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ ગણાતા ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાની  છ વખત ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ગાંધીનગરના સાંસદ બન્યા બાદ દેશના નાયબ વડાપ્રધાન  તેમજ ગૃહપ્રધાન પણ બન્યા હતા. પરંતુ 2014માં તેઓ સાંસદ બન્યા બાદ તેમને પ્રધાનપદથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમને માત્ર ભાજપના માર્ગદર્શક મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અડવાનીજી, મુરલી મનોહર જોષી અને રામ નાઈક વગેરે રાજનેતાઓને તેમની ઉંમરને લક્ષમાં રાખીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ આપવાનું આયોજન કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અડવાનીને લોકસભાની ટિકિટ નહિ આપીને, ગાંધીનગરની લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે પક્ષના પ્રમુખ અમિત શાહનું નામ જાહેર કરીને બહુજ ચાલાકીપૂર્વક તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. રાજકીય ક્ષેત્રમાં અડવાની -પ્રકરણની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.અડવાનીની ઉંમર 91 વર્ષની છે. આથી તેમની રાજકીય કારકિર્દીને વિરામ આપવામાં આવ્યો હોય એ શક્ય છે. સમયનું ચક્ર ચાલતું રહે છે. રાજકીય કારકિર્દીનો સૂર્ય હંમેશા  મધ્યાહને જ રહે એવું નથી બનવાનું. ઉદય અને અસ્તએ દરેકના જીવનની વાસ્તવિકતા છે. ચાહે એ મહાનુભાવ હોય, યા સામાન્ય વ્યક્તિ હોય .આદરણીય નેતા એલ. કે. અડવાનીની નિવૃત્તિ ભાજપ માટે લાભદાયી તો નથી જ.