ભાજપના કોઈ આગેવાનને રામમંદિર ટ્રસ્ટમાં નહી સમાવાયઃ અમિત શાહ

લખનૌઃ સર્વોચ્ચ અદાલતના ત્વરીત નિર્ણયો બાદ રામમંદિર ટ્રસ્ટની રચના થતા નિર્માણ કાર્યની પ્રક્રિયા આસાન બની ગઇ છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે એવો સુજાવ આપ્યો હતો કે અમિત શાહ તથા યોગી આદીત્યનાથને રામમંદિરના ટ્રસ્ટમાં નિમવા જોઇએ પરંતુ ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉપરોકત સુચનનો છેદ ઉડાવી દેતા જણાવ્યું હતું કે રામમંદિર ટ્રસ્ટમાં ભાજપના કોઇ આગેવાનનો સમાવેશ નહી થાય તથા મંદિરના નિર્માણ માટે સરકાર કોઇ ફંડ આપશે નહી.
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ત્રણ માસમાં કરવાનું છે અને સત્વરે મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાવાનું છે ત્યારે અમિત શાહે તાજેતરમાં આપેલ બયાનને અયોધ્યાના સાધુસંતોએ આવકાર્યુ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કોઇ સભ્ય રામમંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નહી નિમાય અને રામમંદિરના નિર્માણકાર્યમાં સરકાર કોઇ કાર્ય નહી કરે.
તેમણે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે ૯૦ દિવસમાં ટ્રસ્ટનું ગઠન તથા મંદિર નિર્માણની સમયમર્યાદા આપી છે. તે મુજબ જ કામગીરી થશે. રામમંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવો પડશે. ઝારખંડની એક ચુંટણી સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે આગામી ચાર મહિનામાં અયોધ્યામાં આકાશથી ઉંચુ મંદિર નિર્માણ પામશે.
દરમ્યાન તેમને રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અંગે કરેલા નિવેદનને અયોધ્યાના સંતોએ આવકાર્યું છે અને જણાવ્યું છે કે અમિત શાહે સમજી વિચારીને જ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિઓને સામેલ ન કરવાનું કહ્યું હશે. ટ્રસ્ટમાં બુદ્ધિજીવી અને સમજદાર લોકોને સામેલ કરાશે.